ટોપ ન્યૂઝનેશનલ

જંતર-મંતર હિંસા કેસમાં વિદ્યાર્થીઓ સામેના કેસ હજુ યથાવત, દિલ્હી પોલીસને સરકારના આદેશની રાહ

: દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ સર્જાયેલી હિંસા મામલે નોંધાયેલા કેસો હજુ સુધી પરત ખેંચવામાં આવ્યા નથી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી અત્યાર સુધી કેસ પરત ખેંચવા અંગે કોઈ સત્તાવાર આદેશ મળ્યો નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે સરકારનો આદેશ મળતાં જ કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ જંતર-મંતર હિંસા અને તે સાથે જોડાયેલી ઘટનાઓને લઈને કુલ અંદાજે 20 કેસ નોંધાયા છે. તેમાંના 14 કેસ વિરોધ પ્રદર્શન અને હિંસા સંબંધિત છે. ઉપરાંત એક કેસ મંજૂરી વગર ડ્રોન ઉડાડવાનો છે, જ્યારે બાકીના કેસોમાં પત્રકારો અને પોલીસકર્મીઓ પર હુમલાના આરોપો સામેલ છે.

LGની મંજૂરી બાદ જ આગળની કાર્યવાહી

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનો આદેશ મળ્યા બાદ દિલ્હી પોલીસ અભિયોજન પક્ષ તરીકે ઉપરાજ્યપાલ (LG)ને પત્ર લખીને કેસ પરત ખેંચવાની ભલામણ કરશે અને જણાવશે કે તેઓ આગળ કાર્યવાહી કરવા માંગતા નથી. LGની મંજૂરી મળ્યા બાદ પોલીસ સંબંધિત અદાલતને જાણ કરશે, ત્યારબાદ અંતિમ નિર્ણય અદાલત લેશે.

જોકે, પત્રકારોએ પોતાના પર થયેલા હુમલા અંગે નોંધાવેલા કેસો આપમેળે પરત લેવામાં આવશે નહીં. આવા કેસો પરત ખેંચવા માટે સંબંધિત ફરિયાદીઓની સંમતિ જરૂરી રહેશે. માત્ર દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કેસો અંગે જ સરકારના નિર્ણય આધારે કાર્યવાહી થઈ શકે છે.

CJPએ સરકાર પર વચનભંગનો આરોપ મૂક્યો

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા આશુતોષ રાંકાએ વિદ્યાર્થીઓ સામેના કેસો હજુ સુધી પરત ન ખેંચાતા સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને ટૅગ કરીને લખ્યું કે, વિરોધકારીઓ સામે પોલીસ કાર્યવાહી નહીં કરવાની સહમતીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

તેમણે દાવો કર્યો કે બિહાર અને પશ્ચિમ બંગાળમાં સૈંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં પણ અનેક વિદ્યાર્થીઓ અને કાર્યકરો પર નજર રાખવામાં આવી રહી છે અથવા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.

તમામ FIR પરત ખેંચવાની માગ

આશુતોષ રાંકાએ માંગ કરી છે કે વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR તાત્કાલિક પરત ખેંચવામાં આવે, ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવે અને ભવિષ્યમાં પણ દિલ્હી પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અથવા અન્ય રાજ્યોની પોલીસ દ્વારા નવા કેસ નોંધવામાં ન આવે.

ફરી આંદોલનની ચેતવણી

CJPએ સરકારને ચેતવણી આપતાં કહ્યું છે કે જો કરાયેલા વચનોનું પાલન નહીં થાય તો તેઓ ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કરવા મજબૂર બનશે. સાથે જ તેમણે સરકાર સાથે થયેલા કાનૂની સમજૂતીપત્ર અને નક્કી કરાયેલી સમયમર્યાદાની વિગતો પણ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: 21 લાખ સહીઓ સાથે ગૌરક્ષકોનું આવેદનપત્ર, દિલ્હીમાં આંદોલનની ચીમકી

Back to top button