ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જમશેદજી જીજાભાઇઃ એ અનાથ પારસી બાળક જે બન્યા મુંબઇના સૌથી મોટા ઉદ્યોગપતિ…સમગ્ર સંપત્તિનું કર્યું દાન

મુંબઇ, 15, જુલાઇ, 2025: 19મી સદીના ભારતમાં, વ્યવસાય અને સમાજસેવાના ક્ષેત્રમાં નામ કમાવવું સરળ નહોતું. ત્યારે એક અનાથ પારસી છોકરાએ પોતાની મહેનત, દ્રષ્ટિ અને પરોપકારથી ઇતિહાસ રચ્યો હતો. તેમનું નામ છે જમશેદજી જીજાભાઈ હતું. 15 જુલાઈ 1783ના રોજ બોમ્બે (હવે મુંબઈ)માં એક સરળ પારસી પરિવારમાં જન્મેલા, જમશેદજીએ બાળપણમાં જ પોતાના માતાપિતા ગુમાવ્યા હતા. તેમનો ઉછેર તેમના મામા દ્વારા થયો હતો. આર્થિક મુશ્કેલીઓ અને ઔપચારિક શિક્ષણના અભાવ છતાં, તેમણે સખત મહેનત અને શાણપણથી પોતાના જીવનને દિશા આપી હતી.

તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મામા સાથે વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો,  જ્યાં તેમણે અફીણ અને કપાસના વેપારમાં અનુભવ મેળવ્યો હતો. થોડા વર્ષોમાં, તેમણે પોતાની કંપની સ્થાપી અને ચીન જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યવસાયનો વિસ્તાર કર્યો. ટૂંક સમયમાં તેઓ બોમ્બે (હવે મુંબઈ)ના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક બન્યા હતા.

વ્યવસાયથી પરોપકાર સુધી

પરંતુ જમશેદજી ફક્ત એક સફળ ઉદ્યોગપતિ તરીકે જાણીતા ન હતા. તેમણે તેમના જીવનનો મોટો ભાગ સમાજસેવા માટે સમર્પિત કર્યો હતો. તેમનું સૌથી મોટું યોગદાન જેજે હોસ્પિટલ અને જેજે સ્કૂલ ઓફ આર્ટ માનવામાં આવે છે, જેની સ્થાપના માટે તેમણે મોટી રકમનું દાન આપ્યું હતું. તેમણે પારસી સમુદાય તેમજ અન્ય ધર્મો અને જાતિઓ માટે ધર્મશાળાઓ, શાળાઓ, અનાથાલયો અને શૈક્ષણિક સંસ્થાઓનો પાયો નાખ્યો હતો. તે સમયમાં તેમના દાનની રકમ લાખો રૂપિયામાં હતી. આજે કરોડો રૂપિયા જેટલું યોગદાન માનવામાં આવે છે.

બ્રિટિશ શાસન તરફથી સન્માન

બ્રિટિશ સરકારે પણ તેમની સેવાઓ માટે તેમનું સન્માન કર્યું હતું. 1842માં તેમને ‘નાઈટ’નું બિરુદ આપવામાં આવ્યું હતું અને 1857માં તેઓ ‘બેરોનેટ’નું બિરુદ મેળવનારા ભારતના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. આ બિરુદ બ્રિટિશ સામ્રાજ્યમાં એક ખાસ સામાજિક અને રાજકીય દરજ્જાનું પ્રતીક હતું. આ ઉપરાંત, તેમને મુંબઈના શાંતિ ન્યાયાધીશ અને વિધાન પરિષદના સભ્ય જેવા પદો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

એક પ્રેરણાદાયી વારસો

જ્યારે જમશેદજીનું 14 એપ્રિલ 1859ના રોજ અવસાન થયું, ત્યારે તેઓ માત્ર એક શ્રીમંત ઉદ્યોગપતિ નહોતા, તેઓ એક ચળવળ બની ગયા હતા. તેમનું જીવન એ ફિલસૂફીનું પ્રતીક છે જેમાં વ્યવસાય ફક્ત નફા માટે નથી પરંતુ સમાજના નિર્માણ માટે છે.

આજે પણ, મુંબઈની ઘણી શેરીઓ, સંસ્થાઓ અને ઇમારતો પર તેમનું નામ અંકિત છે. જમશેદજી જીજાભાઈ એ પેઢીના પ્રતિનિધિ હતા, જેમણે વેપાર દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી એટલુ જ નહી, પરંતુ તેના સંસાધનો દ્વારા સામાજિક ન્યાય, શિક્ષણ અને આરોગ્યને પણ મજબૂત બનાવ્યું હતું.

તેમનું જીવનચરિત્ર આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે કેમ કે જેમનો હેતુ ઉમદા હોય અને હેતુ સમાજના હિતમાં હોય તો  સામાન્ય પરિસ્થિતિઓમાંથી બહાર નીકળીને પણ અસાધારણ ઇતિહાસ રચી શકાય છે.

આ પણ વાંચોઃ હવે ભારત રશિયાથી સફેદ સોનું મંગાવશે, ચીન પરની નિર્ભરતા ઘટશે

Back to top button