શું કોંગ્રેસ પરિસીમન બિલને સમર્થન આપશે? જયરામ રમેશે અફવાઓ પર લગાવી બ્રેક

Delimitation Bill 2026 Parliament Monsoon session: સંસદના આગામી ચોમાસુ સત્ર અને તે પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠક (All-Party Meeting) વચ્ચે પરિસીમન વિધેયક (Delimitation Bill) ને લઈને દેશભરમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા અને મીડિયા હાઉસિસમાં એવી અફવાઓ વહેતી થઈ હતી કે કોંગ્રેસ આ બિલને સમર્થન આપી શકે છે. આ સમાચારો પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આકરો પલટવાર કરીને પાર્ટીનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે.
જયરામ રમેશે મીડિયાના દાવાઓને ગણાવ્યા પાયાવિહોણા
ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું છે કે, કોંગ્રેસ આ પ્રસ્તાવિત વિધેયકનું સમર્થન નથી કરી રહી અને મીડિયામાં બતાવવામાં આવી રહેલા અહેવાલો તદ્દન ખોટા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મીડિયા ચેનલો પર નિશાન સાધ્યું હતું. જયરામ રમેશે લખ્યું, “કેટલીક ટીવી ચેનલો જાણીજોઈને એવા ભ્રામક સમાચાર ફેલાવી રહી છે કે કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકમાં પરિસીમન બિલનું સમર્થન કર્યું છે. આ સંપૂર્ણપણે જૂઠી, પાયાવિહોણી અને મનઘડંત ખબર છે.”
ચોમાસુ સત્રમાં બિલ રજૂ થવાની અટકળો
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સંસદના આ ચોમાસુ સત્રમાં મોદી સરકાર મહિલા અનામત અને લોકસભા તેમજ વિધાનસભાની બેઠકો વધારવા અંગેનું પરિસીમન બિલ ફરીથી ગૃહમાં રજૂ કરી શકે છે. આ બંધારણીય સુધારા બિલને પાસ કરાવવા માટે સંસદમાં બે-તૃતિયાંશ (2/3) બહુમતીની જરૂર પડશે.
અગાઉ એપ્રિલ મહિનામાં સંસદના વિશેષ સત્ર દરમિયાન પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે સરકાર આ બિલ પાસ કરાવી શકી નહોતી. પરંતુ હવે સરકાર ફરી એકવાર આ બિલ લાવવાની તૈયારીમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે આ વખતે સરકાર પરિસીમન બિલમાં તમામ રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.
સંસદમાં શું છે સીટોનું ગણિત (Number Game)?
લોકસભાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો કુલ 543 બેઠકોમાંથી હાલમાં 3 બેઠકો ખાલી છે. આ સંજોગોમાં બંધારણમાં સુધારો કરવા માટે બે-તૃતિયાંશ બહુમતી એટલે કે ઓછામાં ઓછા 360 સાંસદોના સમર્થનની જરૂર પડશે. એપ્રિલના વિશેષ સત્રમાં એનડીએ (NDA) ને 298 સાંસદોનું સમર્થન મળ્યું હતું, જ્યારે ભાજપની આગેવાની હેઠળના એનડીએ પાસે સત્તાવાર રીતે 293 સાંસદોનું સંખ્યાબળ છે.
પરંતુ હાલની રાજકીય સ્થિતિ બદલાઈ છે. ટીએમસી (TMC) ના બળવાખોર સાંસદોનું એનસીપીઆઈ (NCPI) માં વિલીનીકરણ અને કોંગ્રેસ-ડીએમકે (DMK) ગઠબંધનમાં પડેલી તિરાડનો ફાયદો ઉઠાવવા સરકાર પ્રયાસ કરી શકે છે. જો આંકડાઓ પર નજર કરીએ તો:
-
એનડીએ (NDA) ના સાંસદો, એનસીપીઆઈના 20 અને ડીએમકેના 22 સાંસદો એકસાથે આવે તો આ સંખ્યા 335 સુધી પહોંચી શકે છે.
-
મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બાદ શિવસેના (UBT) ના ૬ સાંસદો શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. આ સિવાય વાયએસઆરસીપી (YSRCP) અને અપક્ષ સાંસદોના સમર્થનથી આ આંકડો ૩૪૬ ની આસપાસ પહોંચે છે.
-
શરદ પવારની પાર્ટીના 8 સાંસદો પણ સરકારને સમર્થન આપે તેવી ચર્ચા છે, જેનાથી આ આંકડો 354 સુધી જઈ શકે છે.
આવી પરિસ્થિતિમાં એનડીએને જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે માત્ર ૬ સાંસદોના સમર્થનની જરૂર પડશે, જેના માટે ભાજપે રાજકીય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. જોકે, સરકારે ચોમાસુ સત્રમાં પરિસીમન બિલ લાવવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચોઃ Metaના Facebookમાં ગ્લોબલ આઉટેજ, અનેક દેશોમાં યુઝર્સ થયા પરેશાન
આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું હજુ નબળું, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












