ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વીમા કંપનીઓ મન ફાવે તેટલું પ્રીમિયમ નહીં વસૂલી શકે, ઈરડા ભીંસશે ગાળિયો

નવી દિલ્હી, તા. 22 ઓગસ્ટ, 2025: હેલ્થ ઇન્શ્યોરન્સ (આરોગ્ય વીમા) ને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. CNBCના એક રિપોર્ટ અનુસાર, સૂત્રો પાસેથી માહિતી મળી કે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI- ઈરડા) આરોગ્ય વીમાના પ્રીમિયમમાં થતા વધારાને સીમિત કરવા માટે એક મોટું પગલું ભરવાનું વિચારી રહ્યું છે.

IRDAI ટૂંક સમયમાં આ અંગે એક કન્સલ્ટેશન પેપર બહાર પાડી શકે છે, જેમાં આરોગ્ય વીમાના પ્રીમિયમ વધારાને નિયંત્રિત કરવા માટેના નિયમોનો પ્રસ્તાવ હશે. આનો ઉદ્દેશ્ય વીમા કંપનીઓ મનસ્વી રીતે પ્રીમિયમ ન વધારે અને સામાન્ય લોકો સરળતાથી આરોગ્ય વીમો લઈ શકે તેવો છે. આ પગલાથી વીમા ક્ષેત્રને મજબૂત કરવાની સાથે-સાથે પોલિસીધારકો માટે ખર્ચને પોષણક્ષમ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IRDAIનું માનવું છે કે ઘણી આરોગ્ય વીમા પોલિસી શરૂઆતમાં ઓછા પ્રીમિયમ સાથે આવે છે, પરંતુ સમય જતાં તેના ભાવ ખૂબ વધી જાય છે. આનાથી લોકો માટે વીમાને ચાલુ રાખવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને, જે લોકો વૃદ્ધ નથી, તેમને પ્રીમિયમમાં ભારે વધારાનો સામનો કરવો પડે છે, કારણ કે IRDAIએ વૃદ્ધો (60 વર્ષથી ઉપર) માટે પ્રીમિયમ વધારાને 10% સુધી સીમિત કરી દીધો છે. આનાથી યુવાન પોલિસીધારકો પર વધુ બોજ પડી રહ્યો છે. IRDAI હવે સમગ્ર વીમા પોર્ટફોલિયો માટે પ્રીમિયમ વધારાને મેડિકલ મોંઘવારી (મેડિકલ ઇન્ફ્લેશન)ના આધાર પર સીમિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

હોસ્પિટલના ખર્ચ અને ક્લેમમાં ભારે વધારો

આરોગ્ય વીમાનું બજાર ઝડપથી વધી રહ્યું છે. 2025માં, સામાન્ય વીમા ઉદ્યોગની કુલ પ્રીમિયમ આવકનો લગભગ 40% હિસ્સો આરોગ્ય વીમામાંથી આવવાની અપેક્ષા છે. કોવિડ મહામારી પછી હોસ્પિટલના ખર્ચ અને ક્લેમમાં ભારે વધારો થયો છે, જેના કારણે વીમા કંપનીઓ પ્રીમિયમ વધારી રહી છે. પરંતુ IRDAIનું કહેવું છે કે કંપનીઓએ પોતાના ખર્ચાઓને ઓછા કરવા પર પણ ધ્યાન આપવું જોઈએ, જેથી પ્રીમિયમ વધારવાની જરૂર ઓછી પડે. ઉદાહરણ તરીકે, ICICI લોમ્બાર્ડની કુલ પ્રીમિયમ આવકનો 30% આરોગ્ય વીમામાંથી આવે છે, જ્યારે ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સનો 50% હિસ્સો આ સેગમેન્ટમાંથી છે. ગો ડિજિટ જનરલ ઇન્શ્યોરન્સમાં આરોગ્ય વીમાનો હિસ્સો ફક્ત 14% છે. આ દર્શાવે છે કે આરોગ્ય વીમો દરેક કંપની માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેમની નિર્ભરતા અલગ-અલગ છે.

વૃદ્ધો માટે હેલ્થ ઇન્શ્યોરન્સની પ્રીમિયમ દરો

IRDAIએ આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI)એ વરિષ્ઠ નાગરિકો સાથે સંકળાયેલા હેલ્થ ઇન્શ્યોરન્સ પર કેપિંગનો આદેશ જારી કર્યો હતો. તે મુજબ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ દર એક વર્ષમાં 10%થી વધારે વધારી શકાશે નહીં, તેના માટે પણ પરવાનગીની જરૂર પડશે. આનો ઉદ્દેશ્ય મેડિકલ મોંઘવારીથી સૌથી વધુ પ્રભાવિત વૃદ્ધોને સસ્તી વીમા સુવિધા આપવાનો છે. પ્રીમિયમ વધારાને રોકવા માટે વીમા કંપનીઓને હોસ્પિટલો સાથે દર નક્કી કરવાનું કહ્યું હતું. સાથે જ પહેલેથી રહેલી બીમારીઓની વેઇટિંગ મર્યાદા 4 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દેવામાં આવી હતી.

આ પગલું આરોગ્ય વીમાને વધુ પારદર્શક અને પોષણક્ષમ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. જો તમે આરોગ્ય વીમો લેવાનું અથવા તમારી પોલિસીને રિન્યુ કરવાનું વિચારી રહ્યા છો, તો IRDAIનો આ નિર્ણય તમારા માટે સારો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની મહિલાઓના ભારતમાં વોટર ID કાર્ડ! બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ખુલાસો

Back to top button