ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાન-અમેરિકા શાંતિ કરાર ટકશે કે તૂટશે? સ્વિટ્ઝર્લેન્ડની બેઠક પર વિશ્વની નજર

Iran US deal: ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલા અંતરિમ શાંતિ કરારનું ભવિષ્ય હવે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી મહત્ત્વપૂર્ણ બેઠક પર નિર્ભર છે. બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ વચ્ચે થનારી આ ચર્ચા નક્કી કરશે કે હાલનો 60 દિવસનો કરાર કાયમી શાંતિમાં બદલાશે કે ફરી એકવાર મધ્ય પૂર્વમાં તણાવ અને સંઘર્ષનો માહોલ સર્જાશે.

અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સ્વિટ્ઝર્લેન્ડમાં સામસામે બેઠક કરવા જઈ રહ્યા છે. આ બેઠક દરમિયાન પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો અને પ્રાદેશિક સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ટેકનિકલ સ્તરની ચર્ચા થઈ શકે છે.

14 મુદ્દાના કરાર બાદ નવી આશા

આ અઠવાડિયે અમેરિકા અને ઈરાને 14 મુદ્દાવાળા એક Memorandum of Understanding (MoU) પર સહમતિ દર્શાવી હતી. આ કરાર મુજબ આગામી 60 દિવસમાં પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધો અને સુરક્ષા સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ દરમિયાન લેબનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામે પણ શાંતિની આશાઓને બળ આપ્યું છે. વિશ્લેષકો માને છે કે જો લેબનોનમાં સ્થિતિ સ્થિર રહેશે તો ઈરાન-અમેરિકા વાટાઘાટોને પણ ગતિ મળી શકે છે.

સૌથી મોટો વિવાદ પરમાણુ કાર્યક્રમનો

જોકે બંને દેશો વચ્ચે હજુ પણ ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર અંતિમ સહમતિ થઈ નથી. સૌથી મોટો પ્રશ્ન ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને છે. સંવર્ધિત યુરેનિયમનો ભંડાર કેવી રીતે નિયંત્રિત કરવો, ભવિષ્યમાં પરમાણુ પ્રવૃત્તિઓની દેખરેખ કોણ રાખશે અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ વ્યવસ્થા કેવી રહેશે જેવા મુદ્દાઓ હજુ ચર્ચાના કેન્દ્રમાં છે.

લેબનોન અને ઇઝરાયલ પણ બન્યા મહત્ત્વના પરિબળ

અંતરિમ કરારમાં તમામ મોરચા પર સૈન્ય કાર્યવાહી બંધ કરવાની વાત કરવામાં આવી છે, જેમાં લેબનોનનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે તે આ સમજૂતીનો ભાગ નથી અને દક્ષિણ લેબનોનમાં પોતાની સૈન્ય હાજરી જાળવી રાખશે. જેના કારણે ભવિષ્યમાં ફરી તણાવ ઊભો થવાની શક્યતાઓને નકારી શકાય નહીં. ઈરાને ચેતવણી આપી છે કે જો કરારનું ઉલ્લંઘન થશે તો તેની જવાબદારી અમેરિકા પર રહેશે.

ઈરાનને આ કરારથી શું મળશે?

આર્થિક દૃષ્ટિએ પણ આ કરાર ઈરાન માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈરાનને કેટલાક આર્થિક પ્રતિબંધોથી રાહત મળી શકે છે. ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડ સુધી પહોંચ મળી શકે છે. તેલની નિકાસ માટે વધુ છૂટછાટ મળી શકે છે. દેશના પુનર્નિર્માણ માટે લગભગ 300 અબજ ડોલરના ફંડ અંગે ચર્ચા ચાલી રહી છે. આ પગલાં ઈરાનની નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાને મોટો આધાર આપી શકે છે.

ટ્રમ્પ પર ટીકાઓનો મારો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ કરારનું સતત સમર્થન કરી રહ્યા છે. જોકે તેમના વિરોધીઓનો આરોપ છે કે યુદ્ધ ટાળવા માટે અમેરિકાએ ઈરાનને વધારે પડતી છૂટછાટ આપી છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન હાલ નબળી સ્થિતિમાં છે અને અમેરિકાએ કોઈ મોટી સમજૂતી કરી નથી. વિશ્વની નજર હવે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠક પર છે. આ બેઠક માત્ર એક સામાન્ય રાજદ્વારી ચર્ચા નથી, પરંતુ તે નક્કી કરશે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની હાલની સમજૂતી કાયમી શાંતિ તરફ આગળ વધશે કે પછી બંને દેશો ફરી એકવાર ટકરાવના માર્ગે આગળ વધશે.

આ પણ વાંચોઃ એન્ટિબાયોટિકથી લઈને ડાયાબિટીસ સુધી 16 દવાઓ પર સરકારે મૂક્યો પ્રતિબંધ, જાણો કઈ દવાઓ સામેલ
Back to top button