IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

IPL એલિમિનેટર: મુંબઈએ ટોસ જીત્યો, ગુજરાતની બોલિંગ

ચંદીગઢ, તા. 30 મે, 2025: આઈપીએલની એલિમિનેટરમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો રમાશે. ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમે સાતત્યભર્યો દેખાવ કરતાં એક સમયે પોઈન્ટ ટેબલમાં ટોપ-ટુમાં સ્થાન મેળવવાની આશા જગાવી હતી. જોકે આખરી બંને લીગ મેચની હારના કારણે તેઓને એલિમિનેટરમાં રમવાનો વારો આવ્યો હતો. જ્યારે મુંબઈએ નબળી શરૂઆત બાદ આગવું ફોર્મ મેળવતા ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. હવે આજની એલિમિનેટર મેચમાં હારનારી ટીમ બહાર ફેંકાશે. જ્યારે જીતનારી ટીમ ક્વોલિફાયર-ટુમાં રમશે. આજની મેચમાં મુંબઈએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. ગુજરાત પ્રથમ બોલિંગ કરશે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, જોની બેરસ્ટો, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, રિચર્ડ ગ્લેસન

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ, સાઇ સુધરસન, કુસલ મેન્ડિસ, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, ગેરાલ્ડ કોએત્ઝી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના

મુંબઈની ટીમ પાંચ વખત આઈપીએલ જીતી ચૂકી છે અને તેના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા છે, જેણે 2022માં ગુજરાત ટાઈટન્સને આઈપીએલમાં તેની પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતુ. જ્યારે ગુજરાતની ટીમ છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વખત પ્લે ઓફમાં રમી ચૂકી છે. કેપ્ટન તરીકે ગીલની સામે પણ આવતીકાલની મેચમાં ટીમને જીતાડવાનો મોટો પડકાર છે. ગુજરાતની ટીમને બટલરની ખોટ પડશે, જેના સ્થાને તેમણે કુસલ મેન્ડિસને કરારબદ્ધ કર્યો છે. જ્યારે મુંબઈને રિકેલ્ટન અને જેક્સની ગેરહાજરી અનુભવાશે. મુંબઈએ તેમના સ્થાને બેરસ્ટો, ગ્લીસન અને અસલાન્કાને ટીમમાં સમાવ્યા છે.

ગુજરાતની ટીમના બેટ્‌સમેનો છેલ્લી બે મેચમાં ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ રહ્યા નહતા. આખી સિઝન દરમિયાન ટીમનો મદાર મોટાભાગે ટોપ ઓર્ડરના બેટ્‌સમેન સાઈ સુદર્શન, ગીલ તેમજ બટલર પર જ જોવા મળ્યો છે. શાહરૂખ ખાને પણ એક મેચમાં આક્રમક બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. જોકે રૂથરફોર્ડ, તેવટિયા જેવા બેટ્‌સમેનોએ જવાબદારી ઉઠાવવી પડશે છે. બટલરનું સ્થાન કુસલ મેન્ડિસ કે કરીમ જનત લઈ શકે.

પ્લે ઓફ અગાઉ ગુજરાતની ટીમને બોલરોના કંગાળ દેખાવની ચિંતા સતાવી રહી છે. ખાસ કરીને છેલ્લી મેચમાં જે પ્રકારે લખનઉએ ગુજરાત સામે 235/2 અને ચેન્નાઈએ 230/5નો સ્કોર ખડક્યો છે, તે ટીમને બોલિંગની વ્યુહરચનામાં ફેરવિચારની જરુરિયાતને દર્શાવે છે. ગુજરાતના બોલરોએ છેલ્લી ત્રણ મેચમાં કુલ મળીને 664 રન આપ્યા છે. પી. ક્રિશ્ના 23 વિકેટ સાથે પર્પલ કેપની રેસમા છે, પણ સિરાજની સાથે તેનો દેખાવ પણ કથળ્યો છે. રાશિદ ખાન પણ અગાઉના જેમ પ્રભાવશાળી દેખાતો નથી.

Back to top button