યુક્રેન પર રશિયાનો મોટો હવાઈ હુમલો, રહેણાંક વિસ્તારોમાં તબાહી, 9 લોકોના મોત

Russian Missile Attack : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તણાવ સતત વધી રહ્યો છે. રશિયાએ ફરી એકવાર યુક્રેનના અનેક વિસ્તારોમાં મોટા પાયે હવાઈ હુમલા (Airstrikes) કર્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હુમલાના કારણે યુક્રેનના વિવિધ શહેરોમાં રહેણાંક ઈમારતો અને મહત્વપૂર્ણ માળખાને પણ નુકસાન થયું છે. છેલ્લા બે મહિનામાં યુક્રેનમાં નાગરિકોના મોતની સંખ્યામાં વધારો થયો છે. રશિયાએ ખાસ કરીને વીજળી મથકો અને અન્ય મહત્વપૂર્ણ Infrastructureને નિશાન બનાવવાનું વધાર્યું છે.
બીજી તરફ યુક્રેન પણ રશિયાના વિવિધ વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં હવે ડ્રોન, મિસાઇલ અને સમુદ્રી માર્ગે થતા હુમલાઓ પણ વધી રહ્યા છે.
લગભગ 500 ડ્રોનથી હુમલાનો દાવો
યુક્રેનના રાષ્ટ્રપતિવોલોદિમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy)એ જણાવ્યું કે રશિયાએ શનિવાર સવારથી યુક્રેનના વિવિધ ઠેકાણાઓ પર લગભગ 500 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ રશિયાની વ્યૂહરચના હવે માત્ર યુદ્ધના મોરચા સુધી સીમિત નથી રહી. તેઓએ આરોપ લગાવ્યો કે રશિયા એવી જગ્યાઓને નિશાન બનાવી રહ્યું છે, જે યુક્રેનના લોકોને યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરી શકે.
ક્રામાટોર્સ્કમાં કાર પર હુમલો, 3નાં મોત
પૂર્વી યુક્રેનના મહત્વપૂર્ણ શહેર ક્રામાટોર્સ્ક (Kramatorsk)માં રશિયન હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા છે. શહેરની સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર લગભગ 90 મિનિટ દરમિયાન ખાનગી કારોને નિશાન બનાવીને ત્રણ અલગ-અલગ હુમલા કરવામાં આવ્યા હતા.
આ હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું કે આ કોઈ સૈન્ય ઠેકાણાં નહોતાં, પરંતુ સામાન્ય નાગરિકોની કાર હતી.
ક્રામાટોર્સ્ક ડોનેત્સ્ક વિસ્તારમાં આવેલું મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યૂહાત્મક શહેર છે અને રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તે સંવેદનશીલ વિસ્તારોમાં સામેલ છે.
ઝાઇટોમિરમાં દુકાન પર હુમલો
રાજધાની કીવની પશ્ચિમમાં આવેલા ઝાઇટોમિર (Zhytomyr) વિસ્તારમાં પણ રશિયન હુમલામાં બે લોકોનાં મોત થયા છે. ગવર્નર વિતાલી બુનેચ્કોના જણાવ્યા અનુસાર ઝ્વ્યાહેલ શહેરમાં એક કરિયાણાની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી.
આ ઉપરાંત બે પેટ્રોલ પંપ અને વિદેશી રોકાણ ધરાવતી કંપની પર પણ હુમલો થયો હતો.
ઝાપોરિઝ્ઝિયા અને ક્રિવી રિહમાં પણ હુમલા
ઝાપોરિઝ્ઝિયા (Zaporizhzhia) વિસ્તારમાં થયેલા હુમલામાં બે લોકોનાં મોત અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે.
બીજી તર ક્રિવી રિહ (Kryvyi Rih)માં રાતભર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવામાં આવ્યા હતા. અહીં પણ બે લોકોનાં મોત થયાં છે.
રશિયન સેનાએ દાવો કર્યો કે તેણે ઝાપોરિઝ્ઝિયામાં આવેલા યુક્રેનના સ્ટીલ ઉત્પાદક Zaporizhstal અને નિપ્રોમાં આવેલા Interpipe Steel Complex સહિત કેટલાક ઔદ્યોગિક સ્થળોને નિશાન બનાવ્યા હતા.
ઓડેસામાં લગભગ 40 લોકો ઈજાગ્રસ્ત
કાળા સમુદ્રના મહત્વપૂર્ણ બંદર શહેર ઓડેસા (Odesa)માં પણ રશિયન હુમલાની અસર જોવા મળી. સ્થાનિક ગવર્નરના જણાવ્યા અનુસાર શનિવાર સાંજ સુધી ચાલેલા હુમલામાં લગભગ 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
રશિયાના કબજા હેઠળના ડોનેત્સ્ક વિસ્તારના અધિકારીએ પણ યુક્રેનિયન ડ્રોન હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાનો દાવો કર્યો છે.
દરમિયાન યુક્રેનની પશ્ચિમી સરહદ પાસે આવેલા મોલ્ડોવામાં ડ્રોન જોવા મળ્યા બાદ લગભગ એક કલાક માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. સાત બોર્ડર ચેકપોસ્ટ પણ થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી.
રશિયાએ યુક્રેનના બંદરોને પણ બનાવ્યા નિશાન
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે તેની સેના યુક્રેનના બંદરો પર હુમલા ચાલુ રાખી રહી છે. ઓડેસા પોર્ટ (Odesa Port)માં એક માલવાહક જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું હોવાનો રશિયાએ દાવો કર્યો છે.
રશિયાના જણાવ્યા મુજબ આ જહાજ સૈન્ય ઉપયોગ માટે સામાન લઈ જઈ રહ્યું હતું. આ પહેલાં ચોર્નોમોર્સ્ક બંદર પર બે માલવાહક જહાજોને નિશાન બનાવ્યાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
યુક્રેનનો રશિયામાં ડ્રોન હુમલો
બીજી તરફ યુક્રેનની સેનાએ રશિયાના સમારા વિસ્તારમાં આવેલા તોગ્લિયાટીમાં એક મોટા સિન્થેટિક રબર પ્લાન્ટ પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. હુમલા બાદ અહીં આગ લાગી હતી.
યુક્રેનની સેનાના જણાવ્યા મુજબ આ પ્લાન્ટ સિન્થેટિક રબર ઉપરાંત રશિયન મિસાઇલના ઇંધણમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ઘટકોનું ઉત્પાદન કરતું હતું.
રશિયાના સ્થાનિક અધિકારીઓએ પણ સમારા વિસ્તારમાં ઔદ્યોગિક સ્થળો પર યુક્રેનિયન ડ્રોન હુમલો થયો હોવાનું સ્વીકાર્યું છે. તોગ્લિયાટીના મેયરે જણાવ્યું કે હુમલામાં કેટલીક રહેણાંક ઈમારતોને નુકસાન થયું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.
આ પણ વાંચો : તમે કાર વેચી દીધી? હવે આ રીતે તમારું FASTag કરો ડિએક્ટિવેટ, નહીં તો ફસાઈ શકે તમારા પૈસા












