T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

સાઉથ આફ્રિકા સાથેની ટક્કર પહેલા ભારતીય ટીમને ઝટકો, આ સ્ટાર બોલર થયો ઈજાગ્રસ્ત

  • સિરાજને ઈજાગ્રસ્ત હર્ષિત રાણાના સ્થાને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. યુએસએ સામેની મેચમાં તેણે 3 વિકેટ લઈને શાનદાર વાપસી કરી હતી

સ્પોર્ટ્સ ન્યુઝઃ ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે તેની ચારેય ગ્રુપ મેચ જીતી અને ટોપ પર રહીને સુપર 8 માં પ્રવેશ કર્યો છે. ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA), નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામેની મેચ જીતી છે.

ભારતીય ટીમ હવે સુપર 8 તબક્કામાં દક્ષિણ આફ્રિકા South Africa, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. ભારતનો પહેલો મુકાબલો 22 ફેબ્રુઆરી, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમાશે. આ મેચ પહેલા, ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ નેટ્સ સેશન દરમિયાન ઘાયલ થયો હતો, જેના કારણે ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ છે. સિરાજે વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે, પરંતુ સુપર 8 તબક્કા દરમિયાન તેની ફિટનેસ ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે.

સિરાજને કેવી રીતે ઈજા થઈ?

એક અહેવાલ મુજબ જમણેરી ઝડપી બોલર મોહમ્મદ સિરાજ નેટ્સમાં હાર્દિક પંડ્યા સાથે બોલિંગ કરી રહ્યો હતો. આક્રમણ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક શક્તિશાળી શોટ સિરાજના ઘૂંટણ પર વાગ્યો. સિરાજ મેદાનની બહાર લંગડાતો આવ્યો. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તે પીડાથી કણસતો જોવા મળ્યો હતો.

હર્ષિત રાણાના બદલે સિરાજને મળી હતી તક

ઉલ્લેખનીય છે કે સિરાજને ઈજાગ્રસ્ત હર્ષિત રાણાના સ્થાને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. યુએસએ સામેની મેચમાં તેણે 3 વિકેટ લઈને શાનદાર વાપસી કરી હતી, પરંતુ ત્યારબાદ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહોતી. હવે જ્યારે સુપર-8માં ભારતનો સામનો સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમો સામે થવાનો છે, ત્યારે સિરાજની ફિટનેસ ટીમ માટે અત્યંત મહત્ત્વની બની ગઈ છે.

સિરાજની ગેરહાજરીમાં પેસ એટેક પર દબાણ

હાલમાં ભારતીય પેસ એટેકની જવાબદારી જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ સંભાળી રહ્યા છે, પરંતુ બેકઅપ બોલર તરીકે સિરાજનું હોવું જરૂરી છે. મેડિકલ ટીમ અત્યારે સિરાજની ઈજા પર નજર રાખી રહી છે અને જો તે સાઉથ આફ્રિકા સામેની મેચ સુધી ફિટ નહીં થાય, તો ભારતીય ટીમ માટે મુશ્કેલી વધી શકે છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદમાં રમાનારી આ મહત્ત્વની મેચ પહેલા સિરાજ મેદાનમાં પરત ફરી શકે છે કે કેમ.

આ પણ વાંચોઃ PM Modi સાથે જોવા મળેલો 29 વર્ષનો આ છોકરો કોણ છે? નેટવર્થ જાણશો તો હેરાન રહેશો

Back to top button