ભારત-બ્રિટન એફટીએઃ વ્હીસ્કીથી લઇને કાર થશે સસ્તી, જાણો એફટીએથી ભારતને શું ફાયદો?

નવી દિલ્હી, 7 એપ્રિલ, 2025: ભારત અને બ્રિટન વચ્ચે ગઇકાલે એક ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એપટીએ)ની ઘોષણા કરવામાં આવી છે. આ કરાર બાદ હવે બ્રિટીશ સ્કોચ વ્હીસ્કી અને કારની કિંમત ભારતમાં ઓછી થઇ જશે. તેના સિવાય ભારતે આયાત થનારા વસ્ત્રો અને ચામડાના ઉત્પાદનો પર જકાત ઘટાડવામાં આવશે.
આ કરાર અનુસાર ભારત બ્રિટીશ વ્હીસ્કી અને શરાબ પર 150 ટકા જકાત ઘટાડીને 75 ટકા કરશે અને 10 વર્ષ સુધીમાં તેને 40 ટકા સુધી ઘટાડવામાં આવશે. જ્યારે ઓટોમોબાઇલ પરની જકાત 100 ટકાથી ઘટાડીને 10 ટકા સુધી કરવામાં આવશે પરંતુ તેનો જથ્થો મર્યાદિત હશે.
કરાર અનુસાર ભારતને આશરે 99 ટકા ઉત્પાદન શ્રેણીઓ પર જકાત સમાપ્તિનો લાભ મળશે. જેનાથી બન્ને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં ઝડપ આવવાની આશા છે. આ કરાર 2030 સુધી દ્વિપક્ષીય વેપાર બે ગણો થવાની સંભાવના છે અને 2040 સુધીમાં બ્રિટીશ અર્થવ્યવસ્થામાં 4.8 અબજ પાઉન્ડની વાર્ષિક વૃદ્ધિ થવાનું અનુમાન છે.
વડાપ્રધાન મોદીએ આ કરારને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે તે ભારત અને બ્રિટન વચ્ચેનો મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક સોદો છે. તે જ સમયે, કીર સ્ટાર્મરે તેને યુરોપિયન યુનિયન (EU)માંથી બહાર નીકળ્યા પછી બ્રિટન માટે સૌથી મોટો સોદો અને ભારત માટે અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી કરાર ગણાવ્યો હતો.
આ કરાર તબીબી ઉપકરણો, અદ્યતન મશીનરી અને ઘેટાંના માંસ સહિત અનેક ઉત્પાદનો પરની જકાત પણ ઘટાડશે. આ વેપાર કરારથી બંને દેશો વચ્ચેના વેપારમાં દર વર્ષે 25.5 અબજ પાઉન્ડનો વધારો થવાની અપેક્ષા છે. આ સાથે, ભારત અને યુકે વચ્ચે બેવડા યોગદાન સંધિ પર પણ એક કરાર થયો છે, જે સુનિશ્ચિત કરશે કે બંને દેશોના વ્યાવસાયિકોને એક જ કામ માટે બંને દેશોમાં સામાજિક સુરક્ષા અથવા રાષ્ટ્રીય વીમો ચૂકવવો પડે નહી.
આ કરાર વ્યાવસાયિક વિઝા માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનું વચન આપે છે અને ભારતે યુકે વ્યાવસાયિક વિઝા રૂટમાં રસોઇયા, સંગીતકારો અને યોગ પ્રેક્ટિશનરોને પણ ઉમેર્યા છે. આ કરાર હવે બ્રિટિશ સંસદ દ્વારા મંજૂર થવાની પ્રક્રિયામાં છે અને તેને અમલમાં આવવામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે.
ભારતીય ઉદ્યોગજગતે FTAનું સ્વાગત કર્યું
વેપાર કરાર અંગે, ભારતીય ઉદ્યોગજગતે જણાવ્યું હતું કે તે ભારતીય નિકાસકારો માટે અત્યંત ફાયદાકારક રહેશે અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી લઈ જવામાં મદદ કરશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) એ જણાવ્યું હતું કે આ કરાર FMCG, આરોગ્યસંભાળ અને નવીનતા આધારિત ક્ષેત્રોને નવી ગતિ આપશે. FICCIના પ્રમુખ હર્ષવર્ધન અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સિદ્ધિ વડાપ્રધાન મોદીના વ્યૂહાત્મક નેતૃત્વને કારણે શક્ય બની છે અને તે વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ભારતની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
કોનફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના પ્રમુખ સંજીવ પુરીએ આ કરાર ભારત અને યુકે વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે તેમ કહેતા ઉમેર્યુ હતુ કેતે ટેકનોલોજી સહયોગ, સપ્લાય ચેઇન વૈવિધ્યકરણ અને વ્યવસાયિક વાતાવરણમાં સુધારો કરશે.
ટીવીએસ મોટર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુદર્શન વેણુએ જણાવ્યું હતું કે આ કરાર ભારતીય કંપનીઓને નવા બજારોમાં પ્રવેશ મેળવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે તેમની બ્રિટિશ બ્રાન્ડ ‘નોર્ટન’ આ વર્ષે લોન્ચ થશે અને આ કરાર કંપનીને ઝડપથી વિસ્તરણ કરવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ ભારત અમેરિકા પર લગાવેલી ઓટો, ફાર્મા અને સ્ટીલ ટેરિફ દૂર કરવા સંમત












