ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો: DRDOએ ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ સેલ્વો લોન્ચ, ચીન-પાક સરહદે વધશે તાકાત

નવી દિલ્હી: 31 ડિસેમ્બર, 2025: ભારતની સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈ પર લઈ જતા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ બુધવારે ‘પ્રલય’ મિસાઈલનું સફળ ‘સેલ્વો લોન્ચ’ (Salvo Launch) કર્યું છે. એક જ લોન્ચર પરથી ખૂબ જ ટૂંકા સમયના અંતરે બે મિસાઈલ છોડવાની આ સિદ્ધિ ભારતની સ્વદેશી ટેકનિક અને ત્વરિત હુમલાની ક્ષમતાનું પ્રદર્શન કરે છે.
ઓડિશાના દરિયાકાંઠે શક્તિ પ્રદર્શન
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે આશરે 10:30 કલાકે ઓડિશાના દરિયાકાંઠે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ‘યુઝર ઇવેલ્યુએશન ટ્રાયલ્સ’ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. બંને મિસાઈલોએ નિર્ધારિત દિશા અને તમામ ઉડ્ડયન ઉદ્દેશ્યોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા.
ચાંદીપુર સ્થિત ટેસ્ટિંગ રેન્જના ટ્રેકિંગ સેન્સર્સ અને દરિયામાં તૈનાત ટેલિમેટ્રી સિસ્ટમ દ્વારા મિસાઈલની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી.
શું છે ‘પ્રલય’ મિસાઈલની ખાસિયતો?
‘પ્રલય’ એ ભારતની અત્યંત આધુનિક મિસાઈલ સિસ્ટમ છે જે દુશ્મન માટે ઘાતક સાબિત થઈ શકે છે:
- ક્વાસી-બેલિસ્ટિક મિસાઈલ:આ મિસાઈલ ઘન બળતણ (Solid Fuel) થી ચાલે છે અને હવામાં જ પોતાનો માર્ગ બદલવામાં સક્ષમ છે, જેના કારણે દુશ્મનનું ડિફેન્સ તેને તોડી શકતું નથી.
- અચૂક નિશાન:તેમાં આધુનિક નેવિગેશન અને ગાઈડન્સ સિસ્ટમ લાગેલી છે, જે પિન-પોઈન્ટ ચોકસાઈ સાથે ટાર્ગેટને હિટ કરે છે.
- વિવિધ વોરહેડ્સ:તે વિવિધ પ્રકારના હથિયારો લઈ જવા માટે સક્ષમ છે, જે યુદ્ધના મેદાનમાં તેની અસરકારકતા વધારે છે.
ટીમ વર્ક અને સ્વદેશી સહયોગ
આ મિસાઈલનું નિર્માણ હૈદરાબાદ સ્થિત રિસર્ચ સેન્ટર ઇમારત (RCI) ના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. જેમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ સહયોગી તરીકે કામ કર્યું છે. પરીક્ષણ સમયે સેના અને વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સંરક્ષણ મંત્રીએ પાઠવ્યા અભિનંદન
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDO અને સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ પરીક્ષણથી મિસાઈલ સિસ્ટમની વિશ્વસનીયતા સાબિત થઈ છે. DRDO પ્રમુખે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં જ ‘પ્રલય’ મિસાઈલને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે.












