વિશેષ

ડુંગળી-લસણના ભાવે વધાર્યુ ટેન્શન! દેશમાં રિટેલ મોંઘવારી 4.82%એ પહોંચી, ખાદ્ય મોંઘવારી પણ વધી

India Retail Inflation: દેશમાં મોંઘવારીને લઈને ફરી ચિંતા વધે તેવા આંકડા સામે આવ્યા છે. સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી વધીને 4.82% થઈ છે. જુલાઈમાં આ દર 4.45% હતો. એટલે કે એક મહિનામાં રિટેલ મોંઘવારીમાં 0.37 ટકાનો વધારો નોંધાયો છે.

મોંઘવારી વધવા પાછળ મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે. ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર વધીને 5.95% થયો છે, જે જુલાઈમાં 5.52% હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 5.64%, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 6.13% નોંધાઈ છે.

ડુંગળી-લસણના ભાવમાં મોટો ઉછાળો

ઓગસ્ટમાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ બગાડવામાં ડુંગળી અને લસણનો મોટો ફાળો રહ્યો છે. ડુંગળીની મોંઘવારી જુલાઈના 22.54%થી વધીને ઓગસ્ટમાં 48.27% થઈ છે. એટલે કે ડુંગળીના ભાવમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ 48 ટકાનો વધારો નોંધાયો છે. લસણનો ભાવ પણ 35.36%થી વધીને 43.60% થયો છે. જોકે આદુના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આદુની મોંઘવારી જુલાઈના 83.57%થી ઘટીને ઓગસ્ટમાં 73.82% થઈ છે.

ટામેટાં અને બટાકામાં રાહત

એક તરફ ડુંગળી અને લસણ મોંઘાં થયા છે, તો બીજી તરફ કેટલીક શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટમાં ટામેટાના ભાવમાં 31.09%નો ઘટાડો થયો છે. જુલાઈમાં ટામેટાના ભાવમાં ઘટાડો માત્ર 4.60% હતો. બટાકાની મોંઘવારી પણ નેગેટિવ રહી છે. ઓગસ્ટમાં તે -13.14% નોંધાઈ છે. જોકે જુલાઈમાં તે -16.56% હતી. ભીંડાના ભાવમાં પણ 5.41%નો ઘટાડો થયો છે.

ખાંડના ભાવ પણ ચિંતાનો વિષય

ખાંડના ભાવમાં પણ વધારો મોંઘવારી પર દબાણ વધારી રહ્યો છે. ઘરેલુ બજારમાં ભાવને નિયંત્રણમાં રાખવા માટે ભારતે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે સપ્ટેમ્બરના અંત સુધી અમલમાં રહેવાનો છે. તેમ છતાં ખાંડના ભાવ ઊંચા સ્તરે પહોંચ્યા છે.

હવે મોંઘવારી કઈ દિશામાં જશે?

આગામી સમયમાં મોંઘવારીનો ટ્રેન્ડ મુખ્યત્વે ચોમાસું અને કૃષિ ઉત્પાદન પર નિર્ભર રહેશે. સામાન્ય ચોમાસું રહે તો પાકનું ઉત્પાદન સારું થવાની અને ખાદ્ય ચીજોના ભાવ પર દબાણ ઘટવાની શક્યતા છે. બીજી તરફ અનિયમિત વરસાદ અથવા હવામાનમાં મોટા ફેરફારથી શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનોના ભાવ વધી શકે છે.

આ ઉપરાંત કાચા તેલના વૈશ્વિક ભાવ પણ ભારત માટે મોટું જોખમ છે. ક્રૂડ ઓઇલ મોંઘું થાય તો ઇંધણ અને પરિવહન ખર્ચ વધવાની સાથે આયાતી મોંઘવારીનું દબાણ પણ વધી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આરબીઆઈએ મોંઘવારીનો અંદાજ ઘટાડ્યો

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે મોંઘવારીનો અંદાજ અગાઉના 5.1%થી ઘટાડીને 5% કર્યો છે. કાચા તેલના ભાવમાં નરમાઈ અને પુરવઠા સંબંધિત દબાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ અંદાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરબીઆઈના અનુમાન મુજબ, નજીકના સમયમાં મોંઘવારીમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ ChatGPTનો ડેટા ચેટ ડિલીટ કર્યા પછી ક્યાં જાય છે?
Back to top button