ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વાટાઘાટનો બીજો તબક્કો પૂર્ણ, મજબૂત થશે ભાગીદારી

નવી દિલ્હી, 26 જુલાઇ, 2025: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર સંધિ (FTA)ને પગલે બીજી તબક્કાની વાટાઘાટા શુક્રવારે નવી દિલ્હી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અનુસાર આ વાટાઘાટોથી બન્ને દેશો વચ્ચે વેપાર અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂતાઇ પ્રાપ્ત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ન્યૂઝીલેન્ડના કાઉન્ટરપાર્ટ ક્રિસ્ટોફર લક્સનની માર્ચ 2025માં મુલાકાત થઇ હતી. આ દરમિયાન નિર્ધારિત દિશાનિર્દેશો અનુસાર FTA પર આ પ્રગતિ થઇ છે. આ FTA વાટાઘાટ ઔપચારીક રીતે 16 માર્ચના રોજ વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને ન્યૂઝેલન્ડના વેપાર મંત્રી ટૉડ મૈક્લેની બેઠકમાં શરૂ થઇ હતી.
બંને પક્ષો વાટાઘાટોને આગળ વધારવા સંમત થયા હતા
અગાઉ, પહેલી બેઠક મે મહિનામાં નવી દિલ્હીમાં યોજાઈ હતી. તે જ સમયે, બીજી બેઠક 14 જુલાઈથી 25 જુલાઈ સુધી ચાલી હતી, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આમાં માલ અને સેવાઓ વેપાર, રોકાણ, મૂળ દેશના નિયમો, કસ્ટમ પ્રક્રિયાઓ, ટેકનિકલ અવરોધો, આરોગ્ય અને સલામતી ધોરણો અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. બંને પક્ષો સંમત થયા હતા કે સંવાદને સંતુલિત અને આધુનિક રીતે આગળ વધારવાનો રહેશે.
વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ સપ્ટેમ્બરમાં યોજાશે
હવે ત્રીજો રાઉન્ડ વાટાઘાટો સપ્ટેમ્બર 2025માં ન્યુઝીલેન્ડમાં યોજાશે. આ પહેલા, બંને દેશો ઓનલાઈન મીટિંગ દ્વારા વાટાઘાટોની ગતિ જાળવી રાખશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2024-25માં 1.3 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો, જે પાછલા વર્ષની તુલનામાં 48.6 ટકાનો વધારો છે. આ FTA વેપાર, રોકાણ, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવામાં અને બંને દેશોના વ્યવસાય માટે સ્થિર વાતાવરણ બનાવવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ દેશના ધનિકો વધુ થઇ રહ્યા છે શ્રીમંત, એક ટકા શ્રીમંતો પાસે અધધધ સંપત્તિ












