ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં રાજકીય પાર્ટીના નેતાના ઘરે ઈન્કમટેક્સ ત્રાટક્યું

ગાંધીનગર, તા. 12 નવેમ્બરઃ પાટનગર ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના નિવાસ સ્થાને ઈન્કમ ટેક્સ વિભાગે દરોડો પાડ્યો હતો. આજે વહેલી પરોઢિયે ઇન્કમ ટેક્સના અધિકારીઓની પાંચ ગાડીઓ સાથેની ટીમે તેમના ઘરે દરોડો પાડતા ચકચાર મચી ગઈ હતી. હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટીની ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત બે-ચાર પાડોશીને પણ પંચ તરીકે બોલવામાં આવ્યા છે. સવારથી સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત સાથે આઇટી ટીમ ત્રાટકતા સ્થાનિકોમાં પણ કુતૂહલ સર્જાયું છે.

આ પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરા છે. જેઓનું કોરોના દરમિયાન અવસાન થતાં પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરાના હાથમાં આવ્યું હતું. જે બાદ સંજય ગજેરાએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. એક સમયે સંજય ગજેરાને ફ્રન્ટી ગાડી લેવાના પણ ફાંફા હતા. ત્યારે આ વર્ષે જ તેની પાસે મોંઘીદાટ કાર અને બાઇક પણ છે. જેના ડ્રાઈવર રોનકસિંહના મોબાઇલમાંથી કેટલાક મહત્વના પુરાવા આઇટીને હાથ લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઈઝ્ડ(અમાન્ય) કહેવામાં આવે છે. આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ 22 હજાર મત મળ્યા હતા. તેમને રાજ્યમાં કુલ 17 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એડીઆરના રિપોર્ટ મુજબ, 2019-20થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે. જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દૃષ્ટિએ ટોપ ઉપર છે.

Back to top button