શું તમને પણ આવ્યો ખોટો એડવાન્સ ટેક્સનો ઈમેલ? ખોલતા પહેલા ટેક્સ ડિપાર્ટમેન્ટની જાણી લો આ વાત
Income Tax Email: જો તમને પણ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી ખોટો એડવાન્સ ટેક્સ ભરવા અંગેનો કોઈ ઇમેઇલ મળ્યો છે અને તેને જોઈને તમે ચિંતિત છો, તો હવે પરેશાન થવાની જરૂર નથી. આવકવેરા વિભાગે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કરદાતાઓએ આવા ઇમેઇલને નજરઅંદાજ કરવા જોઈએ.
શું છે સમગ્ર મામલો?
છેલ્લા કેટલાક દિવસોથી ઘણા કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી ‘નજ’ (Nudge) ઇમેઇલ મળી રહ્યા હતા. આ ઇમેઇલ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કરદાતાએ ભરેલો એડવાન્સ ટેક્સ તેમના નાણાકીય વ્યવહારો (Financial Transactions) સાથે મેચ થતો નથી. ઇમેઇલમાં કેટલાક મોટા વ્યવહારોનો ઉલ્લેખ હતો જે કરદાતાઓએ ક્યારેય કર્યા જ નહોતા. ઘણી વિગતો ખોટી હોવાને કારણે સોશિયલ મીડિયા અને પોર્ટલ પર ફરિયાદોનો ઢગલો થયો હતો.
આવકવેરા વિભાગની સ્પષ્ટતા
ફરિયાદો વધતા ઇન્કમ ટેક્સ વિભાગે સ્વીકાર્યું છે કે નાણાકીય વર્ષ 2026-27 ના એડવાન્સ ટેક્સને લગતા કેટલાક ઇમેઇલ ખોટી માહિતી સાથે મોકલવામાં આવ્યા હતા. વિભાગે જણાવ્યું કે સર્વિસ પ્રોવાઇડર સાથે મળીને આ ટેકનિકલ સમસ્યાને ઠીક કરવામાં આવી રહી છે. વિભાગે કરદાતાઓને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને માહિતી આપવા બદલ આભાર માન્યો છે. જ્યાં સુધી આ સમસ્યા સંપૂર્ણ રીતે ઉકેલાઈ ન જાય ત્યાં સુધી આ વિષયને લગતા તમામ ઇમેઇલ્સને ધ્યાને ન લેવા જણાવાયું છે.
કરદાતાઓ માટે ખાસ સૂચના
વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ ઇમેઇલ્સ માત્ર એક પ્રકારના રિમાઇન્ડર છે, જેનો હેતુ કરદાતાઓને તેમના વ્યવહારો રિવ્યૂ કરવામાં મદદ કરવાનો છે.
સાચી માહિતી ક્યાં જોવી?
કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના વ્યવહારોની સચોટ વિગતો જોવા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ કમ્પ્લાયન્સ પોર્ટલના ઇ-કેમ્પેઈન ટેબમાં જઈને સ્ટેટમેન્ટ ચેક કરી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












