ટ્રેન્ડિંગનેશનલ

‘ફક્ત દીકરીના રડવાથી સાસરિયાને દોષિત ન ઠેરવી શકાય’, બોમ્બે હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

મુંબઈ: 9 નવેમ્બર, 2025: બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે, માત્ર એટલું કહી દેવાથી કે કોઈ મહિલા દુઃખી રહેતી હતી અથવા રડતી હતી, તેના પતિ કે સાસરિયાંને દોષિત ઠેરવી શકાય નહીં અને ભારતીય દંડ સંહિતાની કલમ 498એ (ક્રૂરતા) હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા આરોપોને સાબિત કરવા માટે નક્કર પુરાવા હોવા જરૂરી છે.

1998ના સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરાયો

આ મામલો 1998માં પૂણેની સેશન્સ કોર્ટના ચુકાદા સાથે જોડાયેલો છે, જેમાં રામપ્રકાશ મનોહરને તેની પત્ની રેખાની આત્મહત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પૂણેની સેશન્સ કોર્ટે 17 નવેમ્બર, 1998ના રોજ પતિ રામપ્રકાશ મનોહરને ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને 498-એ (ક્રૂરતા) હેઠળ દોષિત જાહેર કર્યો હતો અને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. હવે બોમ્બે હાઇકોર્ટે 1998ના સેશન્સ કોર્ટના આ ત્રણ વર્ષની સજાના ચુકાદાને રદ કરી દીધો છે.

પુરાવાનો અભાવ

જસ્ટિસ એમ.એમ. સથાયેની ખંડપીઠે ચુકાદો આપતા કહ્યું કે, રામપ્રકાશ ગોવિંદ મનોહરે તેની પત્ની સાથે ક્રૂરતા કરી હોય કે તેને આત્મહત્યા માટે ઉશ્કેરી હોય, તેનો કોઈ પુરાવો નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે રેખાનું સાસરિયું એવા વિસ્તારમાં હતું જ્યાં ખાનગી શૌચાલય નહોતા, તેથી એવી સંભાવના પણ છે કે તે નદીમાં લપસીને પડી ગઈ હોય (જ્યારે તે ગુમ થઈ હતી). રેખાના માતા-પિતાએ તેના ગુમ થવા પર પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેમાં પ્રતાડના કે ક્રૂરતાનો કોઈ ઉલ્લેખ નહોતો.

માત્ર આરોપ લગાવવો પૂરતો નથી

હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ક્રૂરતાનું તે જરૂરી તત્ત્વ, જેમાં મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવા જેવું આચરણ સામેલ હોય, સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી અને સાબિત પણ થયું નથી.

કોર્ટે અંતમાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી: ‘જો મૃતક મહિલા દુઃખી રહેતી હતી અને રડતી હતી, તો તેવું માનવા માટે પૂરતું નથી કે તેને હેરાન કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવવા માટે પુખ્તા પુરાવા હોવા જરૂરી છે. માત્ર આરોપ લગાવી દેવો પૂરતો નથી હોતો.’

આ પણ વાંચોઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ નાથદ્વારા અને તિરુપતિ મંદિરે દર્શન કર્યા : રૂ.15-15 કરોડના દાનની જાહેરાત

આ પણ વાંચોઃ ફ્રિજ બ્લાસ્ટમાં તૂટ્યા જડબાના 100થી વધુ હાડકાં, ડૉક્ટર્સે અસંભવને સંભવ બનાવી બાળકને આપ્યું જીવનદાન

 

 

Back to top button