Success Storyટ્રેન્ડિંગનેશનલ

ફ્રિજ બ્લાસ્ટમાં તૂટ્યા જડબાના 100થી વધુ હાડકાં, ડૉક્ટર્સે અસંભવને સંભવ બનાવી બાળકને આપ્યું જીવનદાન

મધ્ય પ્રદેશ: 9 નવેમ્બર, 2025: મધ્ય પ્રદેશના જબલપુરમાં આવેલી બડેરિયા મેટ્રો પ્રાઇમ હોસ્પિટલની ડૉક્ટરોની ટીમે એક અવિશ્વસનીય સફળતા હાંસલ કરી છે. ફ્રિજ બ્લાસ્ટમાં કટનીના એક 14 વર્ષીય બાળકના સંપૂર્ણ રીતે ક્ષત-વિક્ષત થઈ ગયેલા જડબાની જટિલ સર્જરી કરીને, જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહેલા બાળકને નવું જીવનદાન આપ્યું છે.

ડૉક્ટરોની કુશળ ટીમે એક અત્યંત ભયાનક અને પડકારજનક કેસની સર્જરી કરીને અસંભવને સંભવ કરી બતાવ્યું છે. આ ઓપરેશન ખૂબ જ દુર્લભ હતું, કારણ કે દર્દીના જડબાના 100થી વધુ હાડકાં તૂટી ગયાં હતાં, જેને જોડવા અત્યંત મુશ્કેલ હતા.

5 કલાકની લાંબી સર્જરી

વિસ્ફોટના કારણે બાળકના ચહેરાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું અને તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આ જટિલ કેસને પડકાર તરીકે સ્વીકારીને, સૌપ્રથમ નાક, કાન, ગળાના નિષ્ણાત ડૉ. રાહુલ ચતુર્વેદી દ્વારા ગળામાં છિદ્ર કરીને બાળકના શ્વાસ લેવાનો માર્ગ બનાવવામાં આવ્યો. ત્યારબાદ ડૉક્ટરોની ટીમે સતત 5 કલાક સુધી સર્જરી કરીને જડબાના ૧૦૦થી વધુ તૂટેલા હાડકાંને જોડ્યા. ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરી પછી બાળકના ચહેરાને લગભગ વિસ્ફોટ પહેલાં જેવો જ આકાર આપી દેવામાં આવ્યો છે.

આ સફળતા હોસ્પિટલની ઉચ્ચસ્તરીય તબીબી સુવિધા અને ડૉક્ટરોની ઉત્કૃષ્ટ કુશળતાનું પ્રમાણ છે. આ સંભવતઃ જબલપુરનો પહેલો એવો પડકારજનક કેસ હતો જેમાં ડૉક્ટરોને આવી મોટી સફળતા મળી છે. કટનીથી તાત્કાલિક જબલપુર લાવવામાં આવેલા બાળકને ડૉક્ટરોની અથાગ મહેનતથી નવું જીવન મળ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતના સૌથી મોટા સટ્ટાબેટિંગ મહાદેવ બુકીના માસ્ટર IDનું વેચાણ કરનાર આરોપી ઝડપયો

આ પણ વાંચોઃ ‘એક જ દિલ કેટલીવાર જીતશો…’ MS ધોનીએ ફેન માટે કર્યું એવું કામ, ઇન્ટરનેટ પર વાઇરલ થયો અનોખો અંદાજ

 

Back to top button