
નવી મુંબઈ, 9 નવેમ્બર : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું.
આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસની સુવિધા પૂરી પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ, તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે.
આ પવિત્ર પહેલને પૂજ્ય વિશાલબાવા સાહેબની દિવ્ય પ્રેરણા અને અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાથદ્વારા પધારતા દરેક ભક્તને સેવા અને ભક્તિનાં મૂલ્યો જાળવતી સંયોજિત, કરુણાસભર અને માનસભર સેવા પ્રાપ્ત કરવાનો છે.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ શુભપ્રસંગે મુકેશ અંબાણીએ ચિરંજીવી વિશાલબાવા સાહેબને વિનંતી કરી હતી કે, સમગ્ર પ્રોજેક્ટ દરમ્યાન પુષ્ટિમાર્ગની પવિત્રતા અને ગૌરવ સર્વોપરી રહે તે સુનિશ્ચિત કરાય. તેમણે જણાવ્યું હતું કે, “આપણને વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ. જે સનાતન હિંદુ ધર્મ અને આચાર્ય પરંપરાનું અનુસરણ કરે છે .”
વિશાલબાવાએ પણ અનંત અંબાણીની દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલ, વનતારાની પ્રશંસા કરતાં તેને અદ્ભુત, અનન્ય અને વિશ્વભરમાં પ્રશંસા પામેલા સર્જન તરીકે વર્ણવ્યું હતું. ભગવાન શ્રીનાથજીની દિવ્ય કૃપા અને તિલકાયત પરિવારના પવિત્ર માર્ગદર્શન હેઠળ “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન” ભક્તિમાર્ગના તેજસ્વી પ્રતિક તરીકે ઉભરી આવશે. જે નાથદ્વારામાં કરુણા અને સેવાના શાશ્વત મૂલ્યોને સમર્પિત એક દ્રષ્ટિવંત સીમાસ્તંભ સાબિત થશે.
આ ઉપરાંત તેઓ ભગવાન વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની અમારી નમ્ર સેવાને ચાલુ રાખતા, તિરુમાલા ખાતે વેંકટેશ્વર અન્ન પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન, અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરતા અમને અત્યંત સન્માનની લાગણી થઈ રહી છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સાથેની ભાગીદારી અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ સમર્થનથી આ પવિત્ર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. આ નવા રસોડામાં અદ્યતન ઓટોમેશન સાથે દરરોજે 2,00,000થી વધુ લોકો માટે શુદ્ધ ભોજન તૈયાર કરવા તેમજ પીરસવાની ક્ષમતા હશે – જેના થકી એ સુનિશ્ચિત કરી શકાશે કે દરેક ભક્તને અત્યંત ભક્તિભાવ, શુદ્ધતા અને કાળજી સાથે તૈયાર કરાયેલો પૌષ્ટિક અન્ન પ્રસાદમ પ્રેમથી પીરસવામાં આવે.
તિરુમાલા એ શ્રદ્ધા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાનું શાશ્વત પ્રતિક છે. આ પ્રયાસ દ્વારા, અમે એન. ચંદ્રબાબુ નાયડુના અન્ન સેવા પરંપરાને તમામ TTD મંદિરોમાં વિસ્તારવાના ઉમદા દ્રષ્ટિકોણમાં યોગદાન આપવા માટે પ્રયત્નશીલ છીએ. TTD અને આંધ્રપ્રદેશ સરકારે અમને આપેલા માર્ગદર્શન અને સહયોગ માટે અમે તેઓનો ઊંડો આભાર વ્યક્ત કરીએ છીએ. ભગવાન વેંકટેશ્વરની સેવા કરવી અને કોઈ પણ ભક્ત ક્યારેય ભૂખ્યો ન રહે તેવા તિરુમાલાના દૈવી મિશનનો એક નાનકડો હિસ્સો બનવું એ અમારા માટે સૌભાગ્યની વાત છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કેરળના ત્રિશૂરના ગુરુવાયુર શહેર સ્થિત ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરે પણ દર્શન કર્યા હતા. તેમણે મંદિરને 15 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.












