ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

સોનાના ઘરેણાંના વેચાણમાં ફરજિયાત HUIDનો 1 એપ્રિલથી શરૂ થયો અમલ, ગ્રાહકોના હિતમાં નિર્ણય

  • રાજ્યના 23 જિલ્લામાં સોનાના 68 હોલમાર્કિંગ સેન્ટર
  • સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભારત દેશમાં જ HUID ફરજિયાત બનાવાયું
  • BISની વેબ સાઇટ પર તમામ માહિતી

ભારતીયો પોતાનું સૌથી સેફ રોકાણ સોનુ માને છે. નાના ઘરનો વ્યક્તિ હોય કે અમીર માણસ, તેની પાસે પૈસા આવે એટલે તરત જ સોનુ ખરીદવાનો વિચાર તેના મનમાં આવી જ જાય છે અને એટલા જ માટે સોનાના ભાવમાં હાલ ભારે તેજી ચાલી રહી છે, અત્યારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.62 હજાર જેટલો થયો છે. ત્યારે જ 1લી એપ્રિલથી સોનાના ઘરેણાંના વેચાણ માટે HUID (હોલ માર્ક અન્ડર આઇડેન્ટીફિકેશન ) ફરજિયાત કરાતાં ગ્રાહકો સાથે ગુણવત્તાના મુદ્દે હવે પારદર્શીતા વધશે.

રાજ્યમાં 68 હોલમાર્કિંગ સેન્ટર

આ અંગે મળતી માહિતી મુજબ, ગુજરાતના 33 જિલ્લામાંથી 23 જિલ્લામાં 68 હોલમાર્કિંગ સેન્ટર કાર્યરત હોવાનું બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની સત્તાવાર વેબ સાઇટમાં જણાવાયું છે. જ્યારે 10 જિલ્લામાં હજી હોલ માર્કિંગ સેન્ટર કાર્યરત નથી. સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારતમાં જ સોનાના વેચાણમાં છ આંકડાનો HUID ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ HUIDના પગલે સોનાના વેચાણમાં પારદર્શીતા અને ગુણવત્તા જળવાશે.

દેશભરમાં જુલાઈ 2021થી જ નિયમ લાગુ

ઉલ્લેખનીય છેકે, જુલાઇ 2021માં સમગ્ર દેશમાં HUIDને ફરજિયાત બનાવવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. જોકે તે વખતે અપુરતી પાયાની સુવિધાઓના પગલે જ્વેલર્સ દ્વારા તીવ્ર વિરોધ થતાં 28 રાજ્યોના 256 જિલ્લામાં અને જે જ્વેલરનું ટર્ન ઓવર રૂ.40 લાખ હોય તેમના માટે જ ફરજિયાત બનાવાયો હતો. ત્યાર બાદ સરકારે HUID સેન્ટર શરૂ થાય તે માટે પ્રોત્સાહનો આપ્યા હતા. દેશના 773 જિલ્લામાંથી હજી 288 જિલ્લામાં જ સેન્ટર છે.

શું છે નિયમભંગમાં સજાની જોગવાઈ ?

અત્યાર સુધી જ્વેલર્સ ચાર આંકડાના હોલમાર્ક ધરાવતા ઘરેણાં વેચતા હતા હવે HUIDના અમલના પગલે છ આંકડાના હોલ માર્કને ફરજિયાત બનાવાયો છે. જે જ્વેલર્સ HUID વગરના ઘરેણાં વેચશે તેને ઘરેણાંની કિંમતના પાંચ ગણો દંડ અથવા તો એક વર્ષની કેદ અથવા તો કેદ અને દંડ ફટકારવાની જોગવાઇ છે. અગાઉ ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે સરકારને HUIDનો અમલ તેમની પાસેના રહેલા ઘરેણાંના 25 ટકા જથ્થાને HUID હોલમાર્ક કરે તે માટે મોકૂફ રાખવા અનુરોધ કર્યો હતો. જોકે સરકારે 1લી એપ્રિલથી HUID ફરજિયાત બનાવ્યો છે.

Back to top button