યુટિલીટી

ડિપ્રેશન જેવું લાગતું હોય તો ગાયના જૂના શુદ્ધ દેશી ઘીનું નસ્ય લો

આયુર્વેદિક જીવનશૈલી માનસિક સ્વસ્થતા માટે બહુ કામની છે આ ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર જેવી માનસિક સ્થિતિઓ માટે દવાઓ તો હવે આવી, પણ આયુર્વેદનો આવિષ્કાર થયો ત્યારથી આવી મન:સ્થિતિમાં શું કરવું જોઈએ એનો ઉલ્લેખ છે. મતલબ કે ડિપ્રેશન એટલે કે અવસાદ એ કોઈ નવો ડિસઑર્ડર નથી, પહેલાંના સમયમાં પણ ખોટી જીવનશૈલી ધરાવનારાઓ અવસાદથી પીડાતા હતા જ. હા, હવે ખોટી આદતો જ જીવનશૈલી બની ગઈ છે એટલે ઘેર-ઘેર અવસાદ અને ઉદાસીનતા જોવા મળે છે. જે હદે માનસિક રોગો અને ખાસ કરીને સાઇકોસોમેટિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતાં ફરી એક વાર જૂની જીવનશૈલી અને આયુર્વેદના સિદ્ધાંતોને જીવનમાં સ્થાન આપતાં થવું અનિવાર્ય બની રહ્યું છે. દરેક ઉંમરના લોકો અવસાદની ચપેટમાં આવ્યા છે. બાળકોથી લઈને ટીનેજર્સ, યુવાનો અને વડીલો સુધ્ધાં કોઈ બાકાત નથી. તમારી ઉંમર કોઈ પણ હોય, જો તમારી દિનચર્યામાં કેટલાક બદલાવો થાય તો ડિપ્રેશન સામેની લગભગ પચાસ ટકા બાજી જિતાઈ જાય. યોગ્ય દિનચર્યા હોય તો સ્ટ્રેસ એટલે કે જીવનમાં ઘટતી ઘટનાઓ સામે મનમાં ઊભી થતી તાણની સ્થિતિને પણ કાબૂમાં લઈ શકાય. જોકે આપણી સમસ્યા એ છે કે બહુ જ સીધીસાદી લાગતી બાબતોને પણ આપણે અપનાવી નથી શકતા. હા, જીવનમાં કેટલાક સંજોગો એવા ઊભા થાય જે ઇમોશનલ સ્ટ્રેસ ઊભું કરે ત્યારે મન:સ્થિતિ ડગમગે એવું બની શકે છે, પણ એ વખતેય જો કેટલીક આદતો જાળવી રાખી હશે તો એમાંય સ્વસ્થતા જાળવી રાખવાનું સંભવ છે. કેટલીક આદતો જોઈએ કે જે તમને માનસિક રીતે નીરોગી રાખી શકે છે.

1. વહેલા ઊઠવું અને વહેલા સૂવું: આ આપણા શરીરની સર્કાડિયન રિધમને જાળવવા માટે બહુ જરૂરી છે. એનાથી તન અને મન બન્ને સારી રીતે ડિટોક્સ થઈને સ્વચ્છ તેમ જ સ્ફૂર્તિલાં રહી શકે છે. આમ તો આયુર્વેદમાં બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાનું કહ્યું છે. બ્રહ્મમુહૂર્ત એટલે સૂર્યોદયના અડધા પ્રહર પહેલાં જાગી જવું. આ સમયગાળામાં ધ્યાન, પ્રાણાયામ કે કસરત કરવાથી ખૂબ જ પોઝિટિવ ઊર્જા ભરવાનું કામ થાય છે. મોડી રાતના ઉજાગરા શરીરમાં તમોગુણ વધારે છે, જે શરીર-મન બન્નેની હેલ્થ માટે હાનિકારક છે. બ્રહ્મમુહૂર્તમાં ઊઠવાનું પોસિબલ ન હોય તો પણ સવારે છ કે સાડાછ પહેલાં પથારીમાંથી ઊઠી જવાની આદત મોડર્ન લાઇફસ્ટાઇલમાં પણ જાળવી રાખી શકાય એમ છે.

2. યોગ અને પ્રાણાયામ : સવારે જસ્ટ અડધો કલાક યોગાસન અને વીસ મિનિટ પ્રાણાયામ કરવા. જો તમે પ્રાણાયામ ન શીખ્યા હો તો માત્ર ઊંડા શ્ર્વાસ લેવા અને શ્વાસ કરતાં બમણો સમય લઈને ઉચ્છ્વાસ કાઢવો. આ પ્રાણાયામ ખાલી પેટે દિવસમાં ત્રણેક વાર કરવાની આદત રાખવી. ઊંડા શ્વાસથી મગજને ઑક્સિજન વધુ મળે છે, જે મનમાં ચાલી રહેલી નકારાત્મકતાને દૂર કરી શકે છે.

3. રોજ સવારે ગાયના ઘીનું નસ્ય કરવું : જો એક વર્ષથી વધુ જૂનું ગાયનું ઘી અને એ પણ ઘરે જ ગાયનું દૂધ લાવીને બનાવેલું હોય તો બેસ્ટ. ગાયના ઘીને સહેજ કોકરવરણું ગરમ કરીને એનાં ત્રણ-ત્રણ ટીપાં બન્ને નસકોરાંમાં નાખવાં અને દસેક મિનિટ માથું પાછળની તરફ ઢાળીને અંદર સુધી ઘી ઊતરવા દેવું. ગાયનું ઘી વિચારવાયુને ક્ધટ્રોલમાં રાખે છે. મગજની અંદર કમ્યુનિકેશનનું કામ કરતા ન્યુરોન્સની કાર્યક્ષમતા પણ એનાથી સુધરે છે.

4. રાતે સૂતાં પહેલાં કર્ણપૂરણ કરવું : જેટલી સાઉન્ડ સ્લીપ હોય, એટલું માનસિક સ્વાસ્થ્ય સારું. જ્યારે પણ અવસાદ, ઉદ્વેગની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલી અસર ઊંઘ પર પડે છે. ઊંઘમાં વિચારો આવે છે અને ખલેલ પેદા થાય છે. કર્ણપૂરણથી એમાં ફાયદો થાય. તલનું તેલ સહેજ ગરમ કરીને એનાં ત્રણ-ત્રણ ટીપાં બન્ને કાનમાં નાખવાં.

5. વીકમાં એક વાર અભ્યંગ કરવું : ઠંડીની સીઝન હોય તો આખા શરીરે તેલની માલિશ કરી શકાય અને જો ગરમીમાં માત્ર પગમાં તેલની માલિશ કરી શકાય. આ શરીરને સ્ફૂર્તિમાં લાવવાનું કામ કરે છે.

ઔષધો પણ અનેક છે

માનસિક અસ્વસ્થતા વર્તાતી હોય તો આયુર્વેદમાં દવાઓ પણ ઘણી છે. જોકે એ ઔષધો એમ જ નિષ્ણાતની નિગરાની વિના લેવી ઠીક નથી. તાજાં બ્રાહ્મીનાં પાન, અશ્વગંધા, જટામાંસી અને વચા જેવાં ઔષધો છે જેનો ઉપયોગ વ્યક્તિની સમસ્યા અને અવસ્થા જોઈને આપી શકાય.

Back to top button