ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમીડિયા

પત્ની કમાય છે તો પતિ ભરણપોષણ નહીં આપે: શિક્ષિકાની 50 હજારની માંગ નામંજૂર

HD News Desk, 12 ડિસેમ્બર 2025 : તાજેતરમાં સુરતની ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો એક અનોખો અને ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સામાન્ય રીતે ભરણપોષણના કેસોમાં દંપતી અલગ રહેતા જોવા મળે છે, પરંતુ અહીં એકદમ વિપરીત સ્થિતિ જોવા મળી, એક જ ઘરમાં રહેતી પત્નીએ પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી હતી. પત્નીએ 35 હજારમાં પગાર મેળવનારા પતિ પાસેથી દર મહિને 50 હજાર રૂપિયાના ભરણપોષણની માંગણી કરી.

કોર્ટએ બંને તરફની દલીલો સાંભળ્યા બાદ પત્નીની અરજી ફગાવી દીધી અને સ્પષ્ટ કર્યું કે, જો પત્ની આર્થિક રીતે સ્વાવલંબન ધરાવે છે અને તેની મૂળભૂત જરૂરિયાતો પુરી થાય છે, તો ભરણપોષણનો હક મળતો નથી.

શું હતો આખો મુદ્દો?

મામલાની વિગતો મુજબ, દંપતી વચ્ચે લાંબા સમયથી ઘરેલુ મતભેદ ચાલી રહ્યા છે અને બંને કાયદાકીય લડતમાં છે. છતાંપણ, નવાઈની વાત એ છે કે બંને હજુ પણ એક જ ઘરમાં સાથે રહે છે. પત્ની નજીકની એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપે છે અને દર મહિને લગભગ 20,000 રૂપિયાનું વેતન મેળવે છે. તેમ છતાં, તેણે કોર્ટમાં અરજી કરીને પતિ પાસેથી 50 હજાર રૂપિયાના ભરણપોષણની માગણી કરી હતી.

પતિના પગાર કરતાં વધુ ભરણપોષણની માંગ

પત્નીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેના પતિની આવક 80,000 રૂપિયા છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે પતિનો વાસ્તવિક માસિક પગાર માત્ર 35,000 રૂપિયા છે. આ મુદ્દે પતિ તરફથી હાજર એડવોકેટ શિવાની ચાહવાલાએ દલીલ કરી હતી કે પત્ની પોતાની આવક તેમજ પતિની વાસ્તવિક આવક કરતાં પણ બે ગણી રકમની માગ કરી રહી છે, જે સંપૂર્ણપણે અતાર્કિક છે. ઉપરાંત, દંપતીને કોઈ સંતાન નથી, તેથી આટલી મોટી રકમની ‘જરૂરિયાત’ ઉભી થતી નથી.

“પત્ની કમાય છે, પાયાની જરૂરિયાતો પૂરી થાય છે ભરણપોષણ લાગુ પડતું નથી”: કોર્ટ

કોર્ટે કાર્યવાહી દરમિયાન પત્નીના વિરોધાભાસી દાવાઓની નોંધ લીધી. પત્નીએ પોતાની અરજામાં પોતે ‘ગૃહિણિ’ હોવાનું લખ્યું હતું, જ્યારે બેંક સ્ટેટમેન્ટ અને પુરાવાઓ સ્પષ્ટ કરતા હતા કે તે સ્કૂલમાં નોકરી કરે છે અને નિયમિત આવક મેળવે છે.

કોર્ટએ જણાવ્યું કે દંપતી એક જ ઘર માં રહે છે અને ઘરનું મોટાભાગનું ખર્ચ, જેમ કે ખોરાકથી લઈને વીજળી સુધી પતિ જ ઉઠાવે છે. પત્ની પાસે પોતાની આવક છે અને એવી કોઈ પરિસ્થિતિ નથી કે તેને મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે.

એવા સંજોગોમાં, પત્ની શિક્ષિત હોય, કમાતી હોય અને પતિ સાથે જ વસવાટ કરતી હોય ત્યારે ભરણપોષણની માંગણી કાયદાકીય રીતે માન્ય બની શકે નહીં. તેથી કોર્ટએ તેની અરજી ફગાવી દીધી.

કોર્ટે પત્નીની તમામ માંગણીઓ ફગાવી

પત્નીએ માત્ર માસિક ભરણપોષણ જ નહીં, પરંતુ કેસ લડવા માટેના કાનૂની ખર્ચ રૂપે પણ 50,000 રૂપિયાની વધારાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે તેના વર્તન, આર્થિક સક્ષમતા અને પરિસ્થિતિઓને ધ્યાને રાખીને આ માંગણી પણ રદ્દ કરી દીધી.

આ પણ વાંચો:સપના જેવો VIP નંબર HR 88B 8888! 1.17 કરોડની કિંમત વધીને 3.75 કરોડ; ખરીદદારે ચકિત કર્યા

Back to top button