ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

I-PRAGATI ત્રણ મહિનામાં કેટલા ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ SMS મારફતે આપવામાં આવ્યા?

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર 2025:  રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રણેક માસ પહેલા I-PRAGATI (Intelligent Progress Reporting and Grievance Addressing through Technology Initiative) પહેલ શરૂ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ ફરિયાદ નોંધાવનારા નાગરિકોને તેમના કેસની પ્રગતિ વિશે ફરિયાદીના મોબાઈલ પર જ SMS મારફતે પારદર્શક અને સમયસર માહિતી પૂરી પાડવાનો છે.

I-PRAGATI પહેલ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમ ફરિયાદીને ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે, જેનાથી નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી. આ પહેલ શરૂ કરી ત્યારથી એટલે કે તા.14 મે, 2025 થી 28 ઓગસ્ટ, 2025 દરમિયાન, I-PRAGATI એ નાગરિકોને લાખોની સંખ્યામાં SMS મારફતે અપડેટ્સ મોકલી છે, જેમાં FIR દાખલ થઈ ગયા અંગે ૧.૫૯ લાખથી વધુ SMS, પંચનામા અંગે ૧.૬૫ લાખથી વધુ SMS, નોટિસ અંગે ૨૫ હજારથી વધુ SMS, આરોપીના જામીન અંગે ૨૬ હજારથી વધુ SMS, આરોપી ધરપકડ અંગે ૧.૫૮ લાખથી વધુ SMS, મુદ્દામાલ રિકવર અંગે ૮૯ હજારથી વધુ SMS અને ચાર્જશીટ થયા અંગે ૧.૬૩ લાખથી વધુ SMS મોકલી નાગરિકોને સમયસર તેમના કેસ અંગે અપડેટ આપવામાં આવ્યા છે. આ પહેલથી કાયદાકીય પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બની છે.

આ પહેલથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કેસની પ્રગતિ વિશે પૂછપરછ કરતા નાગરિકોના પ્રશ્નોનો જવાબ આપવામાં લાગતા સમયનો બચાવ કરી શકે છે અને તેમનું ધ્યાન કેસની તપાસ પર કેન્દ્રિત કરી શકે છે. આ સિસ્ટમ થકી પોલીસ તંત્રમાં દરેક પ્રક્રિયાનો રેકોર્ડ રાખવામાં આવે છે, જે ઉચ્ચ અધિકારીઓને દેખરેખ રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂનો હાહાકાર: બાંધકામની ગંદકી બની મુશ્કેલી

Back to top button