આડા સંબંધની શંકાએ પતિએ પત્નીની કરી હત્યા, ડ્રમમાં ભરી 3 કિ.મી દૂર દાટી દીધી લાશ

તમિલનાડુ: 22 ઓક્ટોબર, 2025: તમિલનાડુના તિરુવલ્લુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસે 30 વર્ષીય સિલમ્બરાસનની ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે પોતાની 26 વર્ષીય પત્ની પ્રિયાની હત્યા કરી અને લાશને એક ડ્રમમાં ઠાંસીને કબ્રસ્તાન નજીક દાટી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પ્રિયાના પિતા શ્રીનિવાસને તેની દીકરી ગુમ થવાની ફરિયાદ અરમ્બક્કમ પોલીસમાં નોંધાવી હતી.
પરિવારે સમાધાન કરાવ્યું, પણ પતિએ હત્યા કરી
પ્રિયાના પિતા શ્રીનિવાસનને ત્યારે શંકા ગઈ, જ્યારે તેની દીકરી સાથે લાંબા સમયથી કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. પ્રિયાએ અગાઉ તેના માતા-પિતાને જણાવ્યું હતું કે તે તેના પતિથી અલગ થવા માંગે છે, પરંતુ પરિવારે તેને સમજાવીને પતિ પાસે પાછા ફરવા કહ્યું હતું.
એસપી વિવેકાનંદ શુક્લાએ કહ્યું કે, સિલમ્બરાસને 14 ઓગસ્ટે પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને લાશને પોતાના ઘરથી લગભગ 3 કિલોમીટર દૂર દાટી દીધી. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે સિલમ્બરાસન તેની પત્ની પર આડા સંબંધો (અફેર) હોવાની શંકા રાખતો હતો. આ જ શંકાના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
બાળકોએ આપ્યો મહત્વનો સંકેત:
પ્રિયાના બે દીકરાએ તેના નાના (શ્રીનિવાસન)ને કહ્યું હતું કે મમ્મી સાથે છેલ્લા બે મહિનાથી તેમનો કોઈ સંપર્ક થયો નથી. ત્યારબાદ શ્રીનિવાસને તરત જ પોલીસને જાણ કરી.
પોલીસે કહ્યું કે, જ્યારે સિલમ્બરાસનની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તે સતત પોતાની વાર્તા બદલતો રહ્યો. આનાથી પોલીસને શંકા ગઈ અને તેમણે મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. અંતે, આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો. સિલમ્બરાસન વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેને 15 દિવસની રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
એસપીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે હત્યાનું મુખ્ય કારણ પતિ દ્વારા પત્ની પર ગેરકાયદે સંબંધોની શંકા હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ૧૫ મિનિટમાં કારના સસ્પેન્શનનો અવાજ દૂર કરો, મિકેનિક પાસે ગયા વિના મેળવો શાંતિ
આ પણ વાંચોઃ બે સેલ, પ્રાઇવેટ ટોઇલેટ… ભાગેડુ મેહુલ ચોક્સીને જેલમાં મળશે આ મહત્ત્વની સુવિધા












