ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ બસપોર્ટ પર માનવતા શરમાઈ: ‘બેટા’ કહી રિક્ષાચાલકે સગીરાની છેડતી કરી, પોક્સો હેઠળ ગુનો દાખલ

રાજકોટ 12 ફેબ્રુઆરી 2026: રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલ અત્યાધુનિક બસપોર્ટ પરથી એક ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. મદદ કરવાના બહાને એક રિક્ષાચાલકે 15 વર્ષની સગીરાને પોતાની જાળમાં ફસાવી, ‘બેટા’ કહી વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ તેની છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી સિકંદર નામના શખ્સની ધરપકડ કરી છે.

 મદદના બહાને છેતરપિંડી

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પંથકની 15 વર્ષીય સગીરા ઘર કંકાસ અથવા અન્ય કારણોસર નાસીક જવા માટે નીકળી હતી. ગત તા. 10ના રોજ રાત્રિના સમયે તે રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર એકલી હતી. આ સમયે સિકંદર નામના દાઢીવાળા રિક્ષાચાલકે તેની પાસે જઈને પૂછપરછ કરી હતી. સગીરાએ નાસીક જવું છે તેમ કહેતા આરોપીએ તેને ભોળવી હતી કે અત્યારે બસ નહીં મળે, તું સુરત જતી રહે ત્યાંથી નાસીક જઈ શકાશે.

આરોપી સગીરાને ખાનગી ટ્રાવેલ્સની ઓફિસે લઈ ગયો હતો, જ્યાં તેણે પોતાના ખર્ચે ટિકિટ કરાવી આપી વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યારબાદ મોબાઈલ ચાર્જિંગમાં મૂકવાના બહાને અને ચા પીવડાવવાના બહાને સગીરાને પોતાની રિક્ષામાં બેસાડી તેની છેડતી કરી હતી.

પરિવારના ફોનથી આરોપી ફફડ્યો

સગીરા ઘરે ન જણાતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આ દરમિયાન સગીરાનો ફોન આવતા પિતા અને અન્ય સભ્યો રાજકોટ પહોંચ્યા હતા. સગીરાના લોકેશન અંગે પૂછપરછ થતા આરોપી સિકંદર ગભરાઈ ગયો હતો. પકડાઈ જવાની બીકે તેણે પુરાવા નાશ કરવા માટે સગીરા પાસેથી ટ્રાવેલ્સની ટિકિટ લઈ લીધી હતી અને તેના ફોનમાંથી પોતાનો નંબર પણ ડિલીટ કરી નાખ્યો હતો. છેવટે આરોપી સગીરાને મવડી ચોકડી પાસે ઉતારીને રવાના થઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહી અને ચેતવણી

પરિવારને મળી ગયા બાદ સગીરાએ આપવીતી જણાવતા પિતાએ રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી સિકંદર વિરુદ્ધ પોક્સો (POCSO) અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

આ પણ વાંચો: હત્યા કેસમાં ભાજપના ધારાસભ્ય બી બસવરાજની ધરપકડ, બેંગલુરુ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી

Back to top button