નીતા અંબાણીના લાડલા પુત્ર અનંત અંબાણીએ સોમનાથ મંદિરમાં કેટલા કરોડનું દાન કર્યું ?

ગીર સોમનાથ, 25 ડિસેમ્બર 2025: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન ધામે આજે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી ભાવપૂર્વક દર્શનાર્થે પધાર્યા હતા. તેમણે આશુતોષ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવી ભક્તિભાવ સાથે મહાપૂજા અને જલાભિષેક કર્યો હતો.
મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપૂજાનો સંકલ્પ લીધો. ભગવાનનો જલાભિષેક કરી બિલ્વપત્ર, ધતૂરા, ફૂલ-માળા સહિત વિવિધ પૂજન સામગ્રી અર્પણ કરી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રની ઉન્નતિ, લોકકલ્યાણ, સર્વજન સુખાકારી તથા વિશ્વ શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાઈ ગયું હતું.

મુખ્ય મંદિરના દર્શન બાદ અનંત અંબાણી સમુદ્ર કિનારે પહોંચ્યા, જ્યાં તેમણે સૂર્યનારાયણના દર્શન કરી પ્રકૃતિની દિવ્ય શાંતિનો અનુભવ કર્યો. ત્યારબાદ તેઓ શ્રી કપર્દી વિનાયક ગણેશજીના મંદિરે પધાર્યા અને વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ લીધા.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ટ્રસ્ટે તેમને સ્મૃતિચિહ્નરૂપે શ્રી સોમનાથ મહાદેવનું ચિત્ર તથા પવિત્ર પ્રસાદ અર્પણ કરી સન્માન કર્યું.

આ પાવન અવસરે અનંત અંબાણીએ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં ₹5 કરોડનું શિવાર્પણ કર્યું. આ દાનનો ઉપયોગ યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ, દર્શન માર્ગનું નિર્માણ, વિકાસલક્ષી પ્રકલ્પો તથા સોમનાથ તીર્થના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવશે. આ ઉદાર દાનને સોમનાથ તીર્થના સતત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન ગણવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ‘લૂંટેરી દુલ્હન’ની છેતરપિંડી: 40 વર્ષીય યુવક પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવી ફરાર












