ટ્રેન્ડિંગનેશનલ

લોકસભામાં ભારે હોબાળો: PMની ખુરશી સુધી પહોંચી ગયા વિપક્ષી સાંસદો? ભાજપનો ગંભીર આરોપ અને રાહુલ ગાંધીનો પ્રહાર

નવી દિલ્હીઃ 4 ફેબ્રુઆરી, 2026: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગ્યે સંબોધન કરવાના હતા. જોકે, વિપક્ષના જોરદાર હંગામાને કારણે ગૃહની કાર્યવાહી ચાલી શકી નહીં. પીઠાસીન અધિકારી સંધ્યા રાયે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવાની જાહેરાત કરી, જેના કારણે PMનું સંબોધન ટળી ગયું હતું.

ભાજપનો ગંભીર આરોપ: ‘PM પર હુમલાનો હતો ઈરાદો’

ગૃહ સ્થગિત થયા બાદ ભાજપના સાંસદ મનોજ તિવારીએ વિપક્ષ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, વિપક્ષી સભ્યો વડાપ્રધાન જ્યાં બેસે છે તે ખુરશી સુધી ચઢી ગયા હતા. વિપક્ષની મહિલા સાંસદોએ PMની ચેરનો ઘેરાવ કર્યો હતો અને તેમની મંશા હુમલો કરવાની હતી. સાંસદો ‘મારામારી’ કરવાના ઈરાદે આગળ વધી રહ્યા હતા. તેમજ NDAના સાથી પક્ષ LJP(R) ના સાંસદ રાજેશ વર્માએ કહ્યું કે વિપક્ષી સાંસદો ગૃહમાં એવી રીતે દોડી રહ્યા હતા જાણે તેઓ રસ્તા પર હોય. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ એવો માહોલ બનાવી રહ્યો હતો કે અમે હાથાપાઈ પર ઉતરી આવીએ.

રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: “PM ડરી ગયા છે”

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને PM મોદી પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું, “મેં કહ્યું હતું તેમ, PM મોદી સંસદમાં નહીં આવે. તેઓ ડરેલા છે અને સત્યનો સામનો કરવા માંગતા નથી.”

કોંગ્રેસની મહિલા સાંસદોનો પક્ષ

સામે પક્ષે કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે સ્પષ્ટતા કરી કે જ્યારે આ ઘટના બની ત્યારે વડાપ્રધાન ગૃહમાં હાજર નહોતા. તેમણે કહ્યું કે, અમે ભાજપના સાંસદ નિશિકાંત દુબે તરફ ગયા હતા કારણ કે તેઓ મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા. જ્યારે અમે તેમને પૂછવા ગયા, ત્યારે તેઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ બંને પક્ષના નેતાઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.

ગૃહ સ્થગિત થયા બાદનું દ્રશ્ય

ગૃહની કાર્યવાહી સ્થગિત થયા પછી પણ હંગામો ચાલુ રહ્યો હતો. વિપક્ષી સાંસદો બેનર-પોસ્ટર સાથે વેલમાં પહોંચી ગયા હતા. કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, કિરેન રિજિજુ અને અશ્વિની વૈષ્ણવ વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. બાદમાં દીપેન્દ્ર હુડ્ડાએ દરમિયાનગીરી કરીને વિપક્ષી સાંસદોને પોતાની બેઠક પર પાછા બોલાવ્યા હતા.

 

Back to top button