ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદીને સવાલ પૂછનાર નોર્વેની પત્રકાર Helle Lyngનો દાવો, Metaએ સસ્પેન્ડ કર્યા Insta, Facebook એકાઉન્ટ

Norway Journalist: નોર્વેમાં PM મોદીને સવાલ પૂછનાર પત્રકાર Helle Lyng એ દાવો કર્યો છે કે તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. X પર પોસ્ટ કરતાં હેલે લિંગે કહ્યું કે સસ્પેન્ડ થયા પહેલા તેઓ આખો દિવસ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સેસ કરી શક્યા નહોતા. તેમણે કથિત સસ્પેન્શન નોટિસનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું, “પ્રેસની આઝાદી માટે આ એક નાનો પુરસ્કાર છે, પરંતુ મેં પહેલાં ક્યારેય આવો અનુભવ કર્યો નથી.”

એક બીજી પોસ્ટમાં નોર્વેની પત્રકારે મેટાના પ્લેટફોર્મ દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહેલા યુઝર્સને જણાવ્યું કે તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે મેટાને ટૅગ કરીને લખ્યું કે તેઓ વધુમાં વધુ ભારતીય લોકોના મેસેજનો જવાબ આપવા માંગતા હતા, પરંતુ હવે જવાબ આપવામાં મોડું થશે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે તેમના એકાઉન્ટ ફરીથી શરૂ થઈ જશે.

શું છે વિવાદ?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે Helle Lyng એ નોર્વેના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત મીડિયા વાતચીત દરમિયાન PM મોદીને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રધાનમંત્રી મોદી જવાબ આપ્યા વગર જ રુમમાંથી બહાર નીકળી ગયા. જ્યારે PM મોદી રૂમમાંથી બહાર જઈ રહ્યા હતા, ત્યારે આ પત્રકારે બૂમ પાડી અને કહ્યું, “તમે દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના કેટલાક પ્રશ્નો કેમ નથી લેતા?” આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ અને ચર્ચાનો વિષય બની ગઈ.

બાદમાં, લિંગે X પર પોસ્ચાટ કરી કહ્યું કે તેમને એવી કોઈ અપેક્ષા પણ નહોતી કે PM મોદી તેમના પ્રશ્નનો જવાબ આપશે. તેમણે ગ્લોબલ પ્રેસ ફ્રીડમ રેન્કિંગનો ઉલ્લેખ કરતાં લખ્યું કે નોર્વે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પહેલા સ્થાને છે, જ્યારે ભારત 157મા ક્રમે છે.

MEAએ હેલે લિંગના સવાલોનો આપ્યો જવાબ

વિવાદ વધતા નોર્વેમાં ભારતીય દૂતાવાસે પ્રેસ બ્રિફિંગ યોજી અને હેલે લિંગને પણ આમંત્રણ આપ્યુ. આ દરમિયાન ફરીથી ભારતની વિશ્વસનીયતા અને માનવ અધિકારો અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં MEAના સેક્રેટરી (વેસ્ટ) સિબી જ્યોર્જે ભારતના સમૃદ્ધ ઇતિહાસ, ચેસ અને યોગ જેવા વિશ્વને આપેલા યોગદાન તેમજ કોરોના કાળ દરમિયાન અનેક દેશોને આપવામાં આવેલી વેક્સિન મદદ અંગે માહિતી આપી હતી. તેમનો આ જવાબ બાદમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ ઘટનાના બાદ Helle Lyng સામે સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળ્યો હતો. ઘણા યુઝર્સે તેમના પર વિદેશી જાસૂસ અને ચીનના સમર્થક હોવાના આરોપો લગાવ્યા હતા, જેના પછી તેમણે પોતાની સ્પષ્ટતા પણ આપી હતી.

X પર ઝડપથી વધ્યા ફોલોઅર્સ

તેમણે X પર લખ્યું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે આવું લખવું પડશે, પરંતુ હું કોઈ વિદેશી જાસૂસ નથી અને મને કોઈ વિદેશી સરકારે મોકલી નથી. હું માત્ર પત્રકાર તરીકેનું કામ કરું છું.” વિવાદ છતાં આ ઘટનાના કારણે પત્રકાર Helle Lyngના ફોલોઅર્સમાં ઝડપથી વધારો થયો. સોમવાર પહેલા તેમના X પર 800થી પણ ઓછા ફોલોઅર્સ હતા, પરંતુ હવે આ સંખ્યા વધીને 45 હજારથી વધુ થઈ ગઈ.

આ પણ વાંચો: પીએમ મોદીની અપીલની બિહારના નેતાઓ પર કોઈ અસર નહીં, 15 ગાડીઓના કાફલા લઈને નીકળ્યા

Back to top button