જીવ્યા પણ સાથે અને મર્યા પણ સાથે! પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્નીએ પણ દમ તોડ્યો, એક જ ચિતા પર અંતિમ સંસ્કાર

ઉત્તર પ્રદેશ: 2 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી હૃદયને હચમચાવી દે તેવી એક ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી બીમાર પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્ની પોતાને સંભાળી શકી નહીં અને ગણતરીની મિનિટોમાં જ તેણે પણ જીવ ત્યાગી દીધો. પતિ-પત્નીના એકસાથે નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુરુવારે જ્યારે બંનેની અર્થી એકસાથે ઉઠી અને એક જ ચિતા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.
શું છે સમગ્ર ઘટના?
આ મામલો મહારાજગંજ જિલ્લાના પનિયરા નગર પંચાયત સ્થિત દીનદયાલ નગરનો છે. અહીં રહેતા 70 વર્ષીય લાલમન સિંહ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ઉંમર અને બીમારીને કારણે તેમની તબિયત સતત લથડી રહી હતી. પરિવારજનો તેમની સારવાર કરાવી રહ્યા હતા, પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. બુધવારે રાત્રે લાલમન સિંહે રોજની જેમ જમ્યા બાદ નિદ્રા લીધી, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે આ તેમની અંતિમ રાત હશે.
પતિને જગાડવા ગઈ અને પોતે પણ અનંત નિદ્રામાં પોઢી ગઈ
ગુરુવારે સવારે જ્યારે તેમની 62 વર્ષીય પત્ની રૂમાલી દેવીએ તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે લાલમન સિંહના શરીરમાં કોઈ હલચલ નહોતી. ઘણી વાર બોલાવ્યા અને ઝંઝોળ્યા પછી પણ જ્યારે કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે તેમને અશુભ અહેસાસ થયો. પતિને મૃત અવસ્થામાં જોઈને રૂમાલી દેવી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.
પતિના વિયોગનો આઘાત રૂમાલી દેવી માટે અસહ્ય બની ગયો હતો. તેઓ પતિના મૃતદેહ પાસે બેસીને સતત આક્રંદ કરી રહ્યા હતા. બે-ત્રણ વાર જોરથી બૂમો પાડ્યા પછી તેઓ અચાનક બેભાન થઈને જમીન પર પડી ગયા. પરિવારજનોએ તેમને હોશમાં લાવવા માટે પાણી છાંટ્યું અને અવાજો આપ્યા, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નહીં.
તબીબોએ મૃત જાહેર કર્યા
સ્થિતિ ગંભીર જણાતા પરિવારજનો તેમને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગયા, જ્યાં તપાસ બાદ ડૉક્ટરોએ રૂમાલી દેવીને પણ મૃત જાહેર કર્યા. ગણતરીની મિનિટોના અંતરે જ પતિ-પત્ની બંનેના મોત થતા ઘરમાં કોહરામ મચી ગયો હતો. જે ઘરમાં થોડા સમય પહેલા હલચલ હતી, ત્યાં સન્નાટો છવાઈ ગયો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ દંપતીનું જીવન અત્યંત સાદું અને પ્રેમભર્યું હતું.
એક જ ચિતા પર પંચતત્વમાં વિલીન
ગુરુવારે જ્યારે બંનેની અર્થી એકસાથે નીકળી ત્યારે માહોલ અત્યંત ભાવુક હતો. રોહિન નદીના ભૌરા બારી સ્મશાન ઘાટ પર બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરિવારજનોએ નિર્ણય લીધો કે બંનેને એક જ ચિતા પર મુખાગ્નિ આપવામાં આવે. જ્યારે એક જ ચિતા પર લાલમન સિંહ અને રૂમાલી દેવી પંચતત્વમાં વિલીન થયા, ત્યારે લોકો બોલી ઉઠ્યા કે, “આ જોડી ઉપરથી જ સાથે જીવવા-મરવાના સોગંદ ખાઈને આવી હતી.”
ભર્યો-ભાદર્યો પરિવાર મૂકી ગયા
લાલમન સિંહ અને રૂમાલી દેવી પોતાની પાછળ ત્રણ પુત્રો – જગદીશ, પ્રદીપ અને સંદીપનો ભરેલો-ભાદર્યો પરિવાર છોડી ગયા છે. માતા-પિતાના એકસાથે જવાથી પુત્રો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો તેને અતૂટ પ્રેમનું એક દુર્લભ ઉદાહરણ ગણાવી રહ્યા છે.












