ટ્રેન્ડિંગનેશનલ

‘માનસિકતા દર્શાવે છે…’ માસિક ધર્મના પુરાવા માટે ગુપ્તાંગના ફોટો માંગવાના મામલે SCએ લગાવી ફટકાર, કેન્દ્રને પાઠવી નોટિસ

નવી દિલ્હીઃ 28 નવેમ્બર, 2025: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અરજી પર કેન્દ્ર સરકારે અને અન્ય પક્ષો પાસે જવાબ માંગ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, હરિયાણામાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં સફાઈકર્મીઓને માસિક ધર્મ (પિરિયડ) સાબિત કરવા માટે ગુપ્તાંગના ફોટો માંગવામાં આવ્યા હતા.

કોર્ટે કાઢી ઝાટકણી

જસ્ટિવ બી.વી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે અને કેન્દ્ર અને અન્યને નોટિસ મોકલી છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, આ માનસિકતાને દર્શાવે છે. કર્ણાટકમાં માસિક ધર્મ દરમિયાન રજા આપવામાં આવે છે. પરંતુ, શું તેના માટે હવે આવા પુરાવા માંગવામાં આવશે? જો કોઈ મહિલા કર્મચારી મહત્વપૂર્ણ કામ માટે હાજર ન હોત, તો બીજા કોઈને સોંપવામાં આવી શક્યું હોત. આશા કરીએ છીએ કે, આ મામલે કેટલાક સકારાત્મક પગલાં લેવામાં આવશે.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે, આ એક ગંભીર ગુનાઈત મામલો છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. અરજી હવે 15 ડિસેમ્બરે સુનાવણી માટે સૂચિબદ્ધ છે. અરજીમાં કેન્દ્ર અને હરિયાણા સરકારોને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. બાર બોડીએ એવી પણ માંગ કરી હતી કે મહિલાઓ અને છોકરીઓના સ્વાસ્થ્ય, ગૌરવ, શારીરિક સ્વાયત્તતા અને ગોપનીયતાનું ઉલ્લંઘન ન થાય તેની ખાતરી કરવા માટે માર્ગદર્શિકા ઘડવામાં આવે.

પોલીસના જણાવ્યા અનુસાર, મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓ સામે 31 ઓક્ટોબરના રોજ જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર મહિલા સફાઈ કર્મચારીઓના ગુપ્તાંગના ફોટા માંગવાનો આરોપ છે જેથી તેઓ માસિક ધર્મમાં હોવાનું સાબિત કરી શકે. યુનિવર્સિટીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેણે હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા બે સુપરવાઇઝરને સસ્પેન્ડ કર્યા છે અને આંતરિક તપાસનો આદેશ આપ્યો છે.

શું છે આખો મામલો?

મળતી માહિતી મુજબ, ત્રણ મહિલા સફાઈ કર્મચારીઓએ યુનિવર્સિટી તંત્રને ફરિયાદ કરી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે બે સુપરવાઇઝર્સે પહેલા પણ તેમને અસ્વસ્થ હોવા છતાં સફાઈ કરવા માટે મજબૂર કર્યા હતા અને પછી તેમની પાસે માસિક ધર્મના પુરાવા માંગ્યા હતા.

મહિલાનો આક્ષેપ છે કે, એક સફાઈકર્મીએ જણાવ્યું કે, “અમે તેમને જણાવ્યું કે અમે માસિક ધર્મને કારણે અસ્વસ્થ છીએ, તેથી ઝડપથી કામ કરી શકતા નથી. પરંતુ તેમણે અમારા ગુપ્તાંગના ફોટા માંગી લીધા. જ્યારે અમે ના પાડી, તો ગાળો આપી અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. મહિલાઓએ એવો પણ આરોપ લગાવ્યો કે સુપરવાઇઝર્સે કહ્યું કે તેઓ સહાયક રજિસ્ટ્રાર શ્યામ સુંદરના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. જોકે, સુંદરે આ આરોપોનો ઇનકાર કર્યો છે.’

FIR અને કાયદાકીય કાર્યવાહી

પીજીઆઈએમએસ (PGIMS) પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે, FIRમાં ગુનાઈત ધમકી, જાતીય સતામણી, મહિલાની મર્યાદાનું અપમાન કરવા અને મારપીટ અથવા બળપ્રયોગ સાથે સંબંધિત કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, આરોપીઓ પર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (SC/ST Act) હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચોઃ ઈમરાન ખાનની બહેન અલીમાનું મોટો પગલું, ભાઈને મળવા દેવામાં ન આવતા ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ

આ પણ વાંચોઃ કેરળના સ્કાય-ડાઇનિંગ સેન્ટરમાં જમીનથી 120 ફૂટ ઉપર ફસાયા પ્રવાસીઓ, બચાવ કામગીરી ચાલુ, વીડિયો વાયરલ

Back to top button