હરમનપ્રીતને પૂછાયો પાકિસ્તાન સાથે હેન્ડશેકનો સવાલ, મળ્યો ચોંકાવનારો જવાબ
Harmanpreet Kaur: મહિલા T20 એશિયા કપ 2026નું આયોજન દુબઈમાં થઈ રહ્યું છે, જેમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે અને આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 28 ઓગસ્ટથી થઈ રહ્યો છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ટીમ આ ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જોકે, ગત વખતે મહિલા એશિયા કપની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
27 ઓગસ્ટે ટૂર્નામેન્ટની શરૂઆત પૂર્વે યોજાયેલી તમામ ટીમોના કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટને પાકિસ્તાન સામે 5 સપ્ટેમ્બરે યોજાનારી મેચ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો હતો, સાથે જ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહીં તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
અમારું ધ્યાન માત્ર કોઈ એક ટીમ પર કેન્દ્રિત નથી
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન સામેની મેચ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, “અમારું ધ્યાન ફક્ત કોઈ એક ટીમ પૂરતું સીમિત નથી. અમારો પ્રયાસ ટૂર્નામેન્ટની દરેક મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટ્રોફી જીતવાનો છે, તેથી અમે કોઈપણ ટીમને ઓછી આંકી રહ્યા નથી.”
આ પણ વાંચો :ટેન્ટમાં ડ્રેસિંગ રૂમ, 500 મીટર દૂર વોશરૂમ! BCCIએ વ્યક્ત કરી નારાજગી
જ્યારે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવશે કે નહીં તે અંગે હરમનપ્રીત કૌરે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે એશિયા કપ એવી ટૂર્નામેન્ટ છે જ્યાં તમે સાચા અર્થમાં તમારી જાતને પરખી શકો છો અને દબાણ હેઠળ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો, જેવી અપેક્ષા તમે તમારી ટીમ પાસે રાખો છો.
હાલ અમે અહીંની પરિસ્થિતિઓનો તાગ મેળવી રહ્યા છીએ
મહિલા T20 એશિયા કપમાં ગ્રુપ-Aમાં સ્થાન મેળવનાર ભારતીય ટીમ પોતાનો પ્રથમ મુકાબલો 30 ઓગસ્ટે થાઈલેન્ડ સામે રમશે, જ્યારે બીજી મેચ 3 સપ્ટેમ્બરે હોંગકોંગ-ચીન સામે અને ત્રીજી મેચ 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે યોજાશે. આ તમામ મુકાબલા દુબઈના મેદાન પર જ રમાશે.
ત્યાંની પરિસ્થિતિઓ અંગે વાત કરતાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે જણાવ્યું હતું કે, “અમે 26 ઓગસ્ટે અહીં પહોંચ્યા છીએ અને 28 ઓગસ્ટે પ્રેક્ટિસ સેશન માટે જઈશું, ત્યારે પિચ અને પરિસ્થિતિ વિશે વધુ ખ્યાલ આવશે. અમારા માટે સારી બાબત એ છે કે અમારી પહેલી મેચ પહેલાં અહીં બે મેચો રમાઈ ચૂકી હશે, જેનાથી અમને પિચના મિજાજ અને પરિસ્થિતિઓનો સચોટ અંદાજ લગાવવામાં ઘણી મદદ મળશે.”
આ પણ વાંચો :સ્માર્ટફોન ખરીદીમાં મોટો બદલાવ, AI ફીચર્સ માટે ભારતીયોની વધતી માંગ












