PM મોદીની જીંદ રેલીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, તપાસમાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા પોલીસ અને પ્રશાસનમાં ચકચાર મચી ગઈ છે. અજ્ઞાત ઈ-મેલ દ્વારા શહેરની ત્રણ જાણીતી સ્કૂલો અને મિની સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, ઈ-મેલમાં 17 જુલાઈએ હરિયાણાના જીંદ જિલ્લામાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.
માહિતી મળતા જ ગુરુગ્રામ પોલીસે તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો. એમિટી સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલ, એરફોર્સ સ્કૂલ અને મિની સચિવાલય ખાતે પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો મોકલી દેવામાં આવી હતી.
સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંબંધિત તમામ સ્કૂલોમાં તાત્કાલિક રજા જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડે મેટલ ડિટેક્ટર અને અન્ય સાધનોની મદદથી સમગ્ર પરિસરની સઘન તપાસ કરી હતી.
પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ કોઈ પણ સ્થળેથી શંકાસ્પદ વસ્તુ અથવા વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક છે.
તપાસમાં બાંગ્લાદેશ કનેક્શન
પોલીસની પ્રાથમિક સાયબર તપાસમાં જાણવા મળ્યું છે કે ધમકીભર્યો ઈ-મેલ બાંગ્લાદેશના IP એડ્રેસનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો. જોકે તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે ઈ-મેલ મોકલવા માટે VPN અથવા પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરીને વાસ્તવિક લોકેશન છુપાવવામાં આવ્યું હતું કે નહીં.
સાયબર સેલની વિશેષ ટીમ ઈ-મેલ મોકલનારના મૂળ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને તેની ઓળખ શોધવા માટે તપાસ કરી રહી છે.
જીંદ જિલ્લામાં કરાઈ મજબૂત સુરક્ષા વ્યવસ્થા
ઈ-મેલમાં 17 જુલાઈએ જીંદમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન પણ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ માહિતી બાદ હરિયાણા પોલીસે ગુરુગ્રામ ઉપરાંત જીંદ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી છે.
રેલી સ્થળની સુરક્ષાની નવી સમીક્ષા કરવામાં આવી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ દરેક પાસાની તપાસ કરી રહી છે.











