Red Alert: ગુજરાતમાં બે દિવસ મેઘતાંડવ, 31 જુલાઈએ અમદાવાદ સહિત 11 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain Forecast: ગુજરાતમાં અષાઢ મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસું વધુ આક્રમક બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા નવા વેધર બુલેટિન મુજબ રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 30 અને 31 જુલાઈ તેમજ 1 ઓગસ્ટ દરમિયાન અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
31 જુલાઈ: અમદાવાદ સહિત 11 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગના અનુમાન મુજબ 31 જુલાઈ રાજ્ય માટે વરસાદની દ્રષ્ટિએ અત્યંત ચિંતાજનક દિવસ બની શકે છે.
- રેડ એલર્ટ: અમદાવાદ સહિત 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં ભારેથી અસાધારણ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
- ઓરેન્જ એલર્ટ: સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર ઉપરાંત ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે.
- યલો એલર્ટ: આ સિવાયના બાકીના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
1 અને 2 ઓગસ્ટે કેવી રહેશે વરસાદની સ્થિતિ?
- 1 ઓગસ્ટ: આ દિવસે પણ વરસાદનું જોર યથાવત રહેશે. અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. જ્યારે બોટાદ, ભાવનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
- 2 ઓગસ્ટ: આ દિવસથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ધીમે-ધીમે ઘટાડો થવાની સંભાવના છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ રહેશે, જ્યાં હળવાથી મધ્યમ કે ભારે વરસાદ પડી શકે છે.
30 જુલાઈએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ
આ અગાઉ 30 જુલાઈએ ભરૂચ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.
તંત્રની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસને નાગરિકોને નદી, નાળાં કે જળાશયો નજીક ન જવા અપીલ કરી છે. પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ન ચલાવવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ કીર્તિ પટેલની ધરપકડ, પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો: પોલીસકર્મીઓને સવાલ કર્યો, ફરિયાદના પૈસા લીધા છે?
આ પણ વાંચોઃ વારંવાર પેટમાં બને છે ગેસ? તમારી રોજીંદી આદતો હોય શકે છે જવાબદાર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












