મહુવામાં સાડા ત્રણ ઇંચ વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમદાવાદ, તા. 8 ઓક્ટોબર, 2025: ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. જોકે જતાં જતાં મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભાવનગરના મહુવામા સૌથી વધુ 3.31 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 1.46 ઇંચ, ગણદેવીમાં 1.22 ઇંચ, ચીખલીમાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ખેરગામમાં 0.98 ઇંચ, ઉમરગાંવમાં 0.79 ઇંચ, નવસારીમાં 0.75 ઇંચ, દેવગઢ બારિયામાં 0.71ઇંચ, ગરબાડામાં 0.71 ઇંચ, વાપીમાં 0.67 ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 42 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોવા અહીં ક્લિક કરોઃ 24 Hrs Descending Rainfall Data Dt.08.10.2025 M.M. TO INCH
ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદી માહોલ જોવા મળશે.અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘શક્તિ’ વાવાઝોડું ધીમું પડી ગયું છે અને હવે તે ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.ગુજરાત પર તેની કોઈ મોટી કે ગંભીર અસર થવાની સંભાવના નથી. આ સિસ્ટમની આડઅસરરૂપે રાજ્યના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતા ઘટશે. દરિયા કાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. શક્તિ વાવાઝોડુ ધીમુ થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસુ વિદાય લેશે.
આગામી દિવસોમાં રાજ્યના મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવના છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ જળવાઈ રહેશે. જોકે, હવામાનની આ સ્થિતિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ બદલાયેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ડ્રગના કેસમાં જેલ ટાળવા રશિયન સેનામાં જોડાયેલો ગુજરાતનો વિદ્યાર્થી યુક્રેન સમક્ષ શરણે!












