આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

ડ્રગના કેસમાં જેલ ટાળવા રશિયન સેનામાં જોડાયેલો ગુજરાતનો વિદ્યાર્થી યુક્રેન સમક્ષ શરણે!

કિવ/નવી દિલ્હી, તા. 8 ઓક્ટોબર, 2025: રશિયા તરફથી યુક્રેન સામે લડી રહેલા ગુજરાતના 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને આખરે યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ગુજરાતના મોરબીનો રહેવાસી માજોતી અભ્યાસ માટે રશિયા ગયો હતો, જ્યાં તે ડ્રગના ગુનામાં સંડોવાયો હતો.

કિવ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, યુક્રેનની 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડે મંગળવારે એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં માજોતીને ડ્રગના ગુનામાં ફટકારેલી સાત વર્ષની જેલની સજામાંથી બચવા માટે રશિયન સેનામાં જોડાવાની ઓફર મળી હોવાનું જણાવાયું હતું. માજોતીએ વીડિયોમાં જણાવ્યું કે તે જેલમાં જવા માંગતો ન હતો, તેથી તેણે રશિયન સેના સાથે કરાર કર્યો. તેને માત્ર 16 દિવસની તાલીમ આપવામાં આવી અને 1 ઓક્ટોબરે તેને પહેલીવાર યુદ્ધમાં મોકલવામાં આવ્યો.

ત્રણ દિવસ બાદ, તેના કમાન્ડર સાથેના ઝઘડા પછી તેણે યુક્રેનિયન સેના સામે સરેન્ડર કર્યું હતું. વિદ્યાર્થીએ રશિયન ભાષામાં કહ્યું, મેં મારા હથિયારો મૂકી દીધા છે, મારે લડવું નથી, મને મદદની જરૂર છે. માજોતીએ વધુમાં જણાવ્યું કે તે રશિયા પાછા ફરવા માંગતો નથી. તેને સેનામાં જોડાવા માટે પૈસાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તેને કંઈ મળ્યું નથી.

યુક્રેને રશિયા માટે લડતા અનેક વિદેશી સૈનિકોને બંદી બનાવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, રશિયાએ ભારત જેવા દેશોના લોકોને નોકરી અથવા શિક્ષણના વચનો આપીને પોતાની સેનામાં ભરતી કર્યા હતા. આ ઘટના વચ્ચે, ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કિવમાં આવેલું ભારતીય દૂતાવાસ આ મામલે તપાસ કરી રહ્યું છે, જોકે યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

Back to top button