સાવધાન: ગુજરાતમાં હાડ થિજવી નાખતી ઠંડીનો રાઉન્ડ શરુ, માવઠાને લઈને અંબાલાલે કરી આગાહી

અમદાવાદ, 02 ડિસેમ્બર 2025: ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થવાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના પગલે લોકોને સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ગુજરાતમાં સોમવારથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, એટલે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થશે અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.
ફરી એકવાર કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. 6થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની શક્યતા છે. 27 અને 28 ડિસેમ્બર રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.












