ગુજરાતમાં માવઠાના એંધાણ: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, હવામાનમાં ઠંડક ફેલાઈ
અમદાવાદ, 04 મે 2025: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ તાપમાનમાં ઘટાડો થશે અને કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે તો ક્યાંક છુટછવાયો વરસાદ વરસી શકે છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા , છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ તમામ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે વહેલી સવારથી અમદાવાદમાં પણ વાતાવરણમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે વહેલી સવારથી અમદાવાદમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.
40 કિમીની ઝડપે પવન ફુંકાશે
સોમ અને અને મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી સહિતના વિસ્તારમાં માવઠાની સંભાવના છે.
અહીં વરસાદ પડશે
આગામી બુધવાર અને ગુરૂવારે એટલે કે 7 અને 8 મેના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરતમાં કમોસમી વરસાદની શક્યતા છે. . તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
ગુજરાત સિવાયના અન્ય રાજ્યની વાત કરીએ તો અહીં પણ મૌસમનો મિજાજ બદલાયો છે, મે મહિનાથી દિલ્હી અને યુપીમાં હવામાન ખુશનુમા બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં કરા, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. આ સાથે હવામાન વિભાગે લોકોને સાવધ રહેવાની પણ અપીલ કરી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ (મહારાષ્ટ્ર), છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને બંગાળનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. હિમાચલ, બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દેશની રાજધાની માટે યલો એલર્ટ અને હિમાચલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: ઘરમાં લગાવો ત્રણ ચમત્કારિક પ્લાન્ટ, વાસ્તુ અનુસાર જાણો યોગ્ય દિશા અને ફાયદા












