અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પર મેઘરાજાની મેઘમહેર કે મહામુસીબત? 5 જિલ્લામાં રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather Warning: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદનું Nowcast બુલેટિન જાહેર કર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની તીવ્રતા અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અલગ-અલગ વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.

5 જિલ્લામાં રેડ એલર્ટ, અતિ ભારે વરસાદની ચેતવણી

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદનું જોખમ છે. જેને પગલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં 15 મિમીથી વધુ પ્રતિ કલાક વરસાદ, 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 60 ટકાથી વધુ સપાટી પર વીજળી પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનને કારણે સ્થાનિક સ્તરે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં પ્રતિ કલાક 5થી 15 મિમી વરસાદ પડી શકે છે. સાથે જ ગાજવીજ દરમિયાન વીજળી પડવાની 30થી 60 ટકા શક્યતા અને તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં યલો એલર્ટ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં 5 મિમીથી ઓછો હળવો વરસાદ, 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન અને 30 ટકાથી ઓછી વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

 

વીજળીના ચમકારા વચ્ચે સાવચેતી જરૂરી

હવામાન વિભાગની ચેતવણીને પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ અને ગાજવીજ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.

ખાસ કરીને વીજળીના ચમકારા દરમિયાન ખુલ્લા મેદાનમાં, રસ્તા પર અથવા વૃક્ષોની નીચે ઊભા ન રહેવા લોકોને સૂચના આપવામાં આવી છે.

આગામી ત્રણ કલાક ગુજરાતના અનેક વિસ્તારો માટે મહત્વપૂર્ણ રહેશે. એક તરફ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે, તો બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા વચ્ચે તંત્ર અને નાગરિકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાનું તોફાની આગમન: કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

Back to top button