ગુજરાત : અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, જાણો કયા શહેરમાં પડી રેકોર્ડબ્રેક ગરમી

- રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો
- બપોરના સમયે બેથી ત્રણ કલાક રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઘટી
- ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું
ગુજરાતના રાજકોટમાં સીઝનનું રેકોર્ડબ્રેક સૌથી વધુ 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ અને આ સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યુ હતુ. રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.
ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું
ઉનાળામાં ગરમીના વધતા તાપમાનને લઈને રાજકોટ DEOએ પરિપત્ર જાહેર કરીને શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે 7થી 11નો કરવા સૂચનો આપ્યા છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વઘુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યુ છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું છે.
રાજ્યના આજે સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 નોંધાયું
રાજ્યના આજે સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વઘુ નોંધાયુ હતું. અમદાવાદ, અમરેલી, વડોદરા, ચાણસ્મા, ડીસા, દીયોદર, ગાંધીનગર, રાજકોટ, હિંમતનગર ,ભુજ અને પોરબંદર સહિતના 10 થી વઘુ શહેરોમાં ગરમીનો પારો 43 કે તેથી વધુ ડિગ્રી પર રહ્યો હતો. જ્યારે રાજકોટ બાદ સૌથી વધુ 44 ડિગ્રી જેટલુ તાપમાન હિંમતનગર, ડિસા અને અમરેલીમાં નોંધાયુ હતું.
બપોરના સમયે બેથી ત્રણ કલાક રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઘટી
આજના દિવસે અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, ડીસા અને ગાંધીનગર સહિતના 8 જેટલા શહેરોમાં હિટવેવ રહી છે. દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે ગરમ પવન સાથે શહેરીજનો લૂથી હેરાન થઈ ગયા હતા. અમદાવાદની વાત કરીએ તો સીઝનનું સૌથી વઘુ મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી આજે નોંધાયુ હતુ. જ્યારે આજે બપોરે 12 વાગ્યાથી જ તાપમાન 40 ડિગ્રી પર પહોંચી ગયુ હતુ અને બપોરના સમયે બેથી ત્રણ કલાક રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઘટી હતી.
આ પણ વાંચો: ગુજરાત: વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – પદ નથી અપાતા












