સુરેન્દ્રનગરમાં અકસ્માતનો ત્રિપલ કહેર: ઇકો-ટ્રક અથડામણમાં 2ના મોત, ભાગતા ક્લીનરનું કરંટથી મોત
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ અને પાનવા ગામ વચ્ચે આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલા ટરબો ટ્રકના પાછળના ભાગે એક ઇકો કાર ઘૂસી જતાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
અકસ્માત બાદ ભાગતા ટ્રક ક્લીનરનું પણ મોત
આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી હતી. અકસ્માત બાદ ટ્રકનો ક્લીનર નજીકના ખેતર તરફ ભાગ્યો હતો. ત્યાં ખેતરમાં લગાવવામાં આવેલા ઝટકા મશીનના વીજ કરંટની ઝપેટમાં આવતાં તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ રીતે એક જ ઘટનાક્રમમાં કુલ ત્રણ લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
અકસ્માતની જાણ થતાં દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI વી.આઈ. ખડીયા અને PSI વી.જે. માલવિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતના સ્થળની તપાસ શરૂ કરી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પણ સંભાળી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે દસાડા સરકારી હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો, રોડ પર ટ્રક કયા સંજોગોમાં ઉભો હતો અને અન્ય કોઈ બેદરકારી જવાબદાર હતી કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઘટનાને કારણે વડગામ-પાનવા માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ વિગતો મેળવવા કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: 44 વર્ષ બાદ ભારતને મેરેથોનમાં મેડલ, સાવન બરવાલે સિલ્વર સાથે તોડ્યો નેશનલ રેકોર્ડ











