ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

44 વર્ષ બાદ ભારતને મેરેથોનમાં મેડલ, સાવન બરવાલે સિલ્વર સાથે તોડ્યો નેશનલ રેકોર્ડ

asian games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારત માટે સાતમા દિવસની શરૂઆત ઐતિહાસિક બની. ભારતના ડિસ્ટન્સ રનર સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. સાવને 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી અને પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડી નાખ્યો. આ સાથે ભારતને એશિયન ગેમ્સની પુરુષ મેરેથોન સ્પર્ધામાં 44 વર્ષ બાદ ફરી મેડલ મળ્યો.

1982 બાદ પ્રથમ વખત મેરેથોનમાં મેડલ

ભારતે છેલ્લે 1982ના નવી દિલ્હી એશિયન ગેમ્સમાં પુરુષ મેરેથોનમાં મેડલ જીત્યો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી ભારત મેડલથી દૂર રહ્યું. હવે સાવન બરવાલે 2026માં સિલ્વર જીતીને 44 વર્ષનો લાંબો ઈંતજાર પૂરો કર્યો છે.

રેસ દરમિયાન સાવન લાંબા સમય સુધી આગળના જૂથમાં રહ્યા હતા. અંતિમ કિલોમીટરમાં જાપાનના ઇચિતાકા યામાશિતાએ લીડ મેળવી અને 2:10:49ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. સાવન 48 સેકન્ડ પાછળ રહી બીજા સ્થાને રહ્યા, જ્યારે ચીનના પેઇયુ ફેંગે બ્રોન્ઝ મેડલ જીત્યો.

પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો

સાવન માટે આ મેડલ માત્ર સિલ્વર સુધી મર્યાદિત રહ્યો નથી. તેમણે 2:11:37નો સમય નોંધાવી પોતાનો અગાઉનો નેશનલ રેકોર્ડ પણ સુધાર્યો છે. એપ્રિલ 2026માં તેમણે વર્ષો જૂનો ભારતીય રેકોર્ડ તોડી દેશનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે એશિયન ગેમ્સમાં વધુ સારી ટાઇમિંગ સાથે નવી સિદ્ધિ નોંધાવી છે.

મંડીથી એશિયન ગેમ્સના પોડિયમ સુધીનો સફર

સાવન બરવાલ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના રહેવાસી છે અને ભારતીય સેનામાં હવાલદાર તરીકે સેવા આપે છે. શાળાના દિવસોથી જ તેમને રમતગમતમાં રસ હતો. શરૂઆતમાં તેઓ બેડમિન્ટન રમતા હતા, પરંતુ સમય જતાં દોડ તરફ તેમનો ઝુકાવ વધતો ગયો.

સેનામાં જોડાયા બાદ સિનિયર ખેલાડીઓના માર્ગદર્શન હેઠળ તેમણે લાંબી દોડ પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સાવન 5,000 મીટર અને 10,000 મીટર સ્પર્ધામાં ભાગ લેતા હતા, પરંતુ બાદમાં મેરેથોન તરફ વળ્યા. લાંબી દોડમાં સતત મહેનત અને તાલીમના કારણે તેઓ રાષ્ટ્રીય સ્તરે ઝડપથી આગળ આવ્યા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓલિમ્પિક માટે પણ વધારી આશા

એશિયન ગેમ્સમાં સિલ્વર અને નેશનલ રેકોર્ડ સાથે સાવન બરવાલે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. 44 વર્ષ બાદ ભારતને મેરેથોનમાં પોડિયમ સુધી પહોંચાડનાર સાવન હવે આવનારી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને ઓલિમ્પિક્સ માટે પણ આશાનું કેન્દ્ર બન્યા છે.

આ સિલ્વર મેડલ ભારતીય એથ્લેટિક્સ માટે વિશેષ છે, કારણ કે સાવન બરવાલે માત્ર મેડલ જ નહીં જીત્યો, પરંતુ લાંબા સમયથી ચાલતો મેરેથોન મેડલનો ઈંતજાર પણ પૂરો કર્યો છે.

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે તહેવારો પહેલાં મોટી ખબર: DA-DR વધારાની વહેલી જાહેરાતની માંગ

Back to top button