સુરત: દુબઈથી ફ્લાઇટ મુંબઈ લેન્ડ થતાં જ સાયબર માફિયા સાહીબ તંબુવાલા જેલના સળિયા પાછળ!

Surat Cyber Fraud Scam: સુરત સાયબર ક્રાઈમ સેલને કરોડો રૂપિયાના ઓનલાઈન ટાસ્ક ફ્રોડ અને બોગસ ડિજિટલ સિગ્નેચર દ્વારા આચરાયેલી છેતરપિંડીના 2 ગંભીર ગુનાઓમાં મોટી સફળતા મળી છે. છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી દુબઈ ભાગી ગયેલા મુખ્ય સૂત્રધાર સામે પોલીસે લૂક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું. આરોપી દુબઈથી ફ્લાઇટ મારફતે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાં જ સુરત સાયબર ક્રાઈમની ટીમે એરપોર્ટ ઓથોરિટીની મદદથી તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સુરતના અડાજણ પાટિયા સ્થિત 38 વર્ષીય મોહમદ સાહીબ મોહમદ સાદીક તંબુવાલા તરીકે થઈ છે, જે નોકરીની આડમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સાથે મળીને બેન્ક ખાતાઓ અને ડમી કંપનીઓનું મોટું નેટવર્ક ચલાવતો હતો.
યુ-ટ્યુબ ટાસ્ક આપીને ₹29.89 લાખની ઠગાઈ
તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વર્ષ 2023 માં નોંધાયેલા પ્રથમ કેસમાં ભેજાબાજોએ પૂર્વ આયોજિત ષડયંત્ર રચ્યું હતું. જેમાં ફરિયાદીને ટેલિગ્રામ પર ‘mbbz4.cc’ નામની બનાવટી લિંક મોકલી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં યુ-ટ્યુબ ચેનલો સબસ્ક્રાઇબ કરવાના ટાસ્ક પૂર્ણ કરવા બદલ સારું કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં વધુ ઊંચા વળતરની લાલચ આપી પ્રીપેઇડ ટાસ્કના નામે ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે રૂ. 30,20,137 અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. શરૂઆતમાં માત્ર રૂ. 30,450 કમિશન આપ્યા બાદ બાકીના રૂ. 29,89,687 હડપ કરી જઈ ઠગાઈ આચરી હતી.
બોગસ ડિજિટલ સિગ્નેચરનો ખેલ
બીજા કેસમાં આરોપીઓએ ફરિયાદીની ફર્મના નામે અત્યંત ગંભીર છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ફરિયાદી પેઢીના બનાવટી દસ્તાવેજો તથા ખોટી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) બનાવી તેનો ઉપયોગ ભારત સરકારના ‘Icegate’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે કર્યો હતો. ત્યાં ફેક ઈ-મેઈલ અને મોબાઈલ નંબર નાખી પેઢીના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ (IEC) નો ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી મળતી ‘ROSCTL’ સ્કીમ હેઠળની 07 ઈ-સ્ક્રિપ્સ (કિંમત રૂ. 95,42,831) પૈકી ફરિયાદીની જાણ બહાર 04 ઈ-સ્ક્રિપ્સ (રૂ. 54,25,767) અન્ય ધારકોને ટ્રાન્સફર કરી વટાવી લીધી હતી.
દેશભરમાંથી 49 ફરિયાદો કનેક્ટ થઈ
પોલીસ પૂછપરછમાં આરોપી સાહીબ તંબુવાલાની કરતૂતોના ચોંકાવનારા ખુલાસા થયા છે. સાહીબ સુરતના સ્થાનિક સાગરીતો પાસેથી કમિશન પર બેન્ક ખાતાઓ મેળવતો હતો અને પોતે આશરે 20,115 દિરહામ (આશરે રૂ. 5,00,000) જેટલું ઊંચું કમિશન રાખી આ ખાતાઓ દુબઈ બેઠેલા સાયબર માફિયાઓને સોંપતો હતો. ટાસ્ક ફ્રોડમાં વપરાયેલા આવા જ એક એકાઉન્ટમાં 11 અને 12 મે 2023 દરમિયાન માત્ર 2 જ દિવસમાં રૂ. 5,17,54,598 ના તોતિંગ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસ કરતાં આ ખાતા સાથે દેશના અલગ-અલગ રાજ્યોની 49 ફરિયાદો લિંક થઈ છે, જેમાં સીધા રૂ. 86,34,942 ફ્રોડના જમા થયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડમી કંપની અને એક્સપોર્ટ કોડ વેચી કમિશન મેળવ્યું
આ ઉપરાંત સાહીબે આ ગુનામાં અગાઉ પકડાયેલા સલાબતપુરાના તક્ષલ લુંગીવાલા સાથે મળીને એક બોગસ કંપની અને તેની નકલી DSC બનાવી હતી. આ ફેક કંપનીનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ તેમજ આઈડી-પાસવર્ડ સાહીબે રૂ. 50,000 કમિશન લઈ દુબઈના વોન્ટેડ આરોપીને પૂરો પાડ્યો હતો, જેના દ્વારા ફરિયાદીની રૂ. 25,36,877 ની સરકારી ઈ-સ્ક્રિપ્સ ટ્રાન્સફર કરી લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ડીંડોલીના કૃણાલ સેંધાણે અને તક્ષલ લુંગીવાલા અગાઉ જેલભેગા થઈ ચૂક્યા છે. હાલ સાયબર સેલે સાહીબના રિમાન્ડ મેળવી આંતરરાષ્ટ્રીય ગેંગના મૂળ સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરી છે.
આ પણ વાંચો: સુરત: પાર્લે પોઈન્ટની ‘બાર્બેક્યુ નેશન’ વિવાદમાં, વાસી ખોરાકનો વીડિયો વાયરલ થતા હોબાળો












