ગુજરાત

ગુજરાતમાં આવતીકાલથી ‘સમર યોગ કેમ્પ 2026’ શરુ, બાળકોને 225 સ્થળોએ મળશે તાલીમ

Summer Yoga Camps: ઉનાળાની રજાઓ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી “સમર યોગ કેમ્પ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કેમ્પ્સ આવતીકાલ એટલે કે તારીખ 16 મે થી તારીખ 30 મે 2026 દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો, તાલુકાઓ અને ગામોમાં યોજાશે. રાજ્યભરમાં અંદાજિત 225 જેટલા સમર યોગ કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે.

7થી 15 વર્ષના બાળકો માટે યોજાશે કેમ્પ

આ કેમ્પ્સ ખાસ કરીને 7 થી 15 વર્ષના બાળકો માટે યોજવામાં આવી રહ્યા છે. આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતો મોબાઇલનો ઉપયોગ, શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો, માનસિક તણાવ અને અનિયમિત જીવનશૈલી જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ પહેલ હાથ ધરવામાં આવી છે. સમર યોગ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં બાળપણથી જ સ્વસ્થ જીવનશૈલી, શિસ્ત, આત્મવિશ્વાસ, એકાગ્રતા અને સકારાત્મક વિચારસરણી વિકસાવવાનો છે. યોગ દ્વારા બાળકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને તેમજ અભ્યાસ પ્રત્યેનું ધ્યાન વધે તે માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.

બાળકોને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો અંગે પણ માર્ગદર્શન અપાશે

કેમ્પ દરમિયાન બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સૂક્ષ્મ વ્યાયામ અને રમતિયાળ યોગ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા, આરોગ્ય જાગૃતિ, ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો અંગે પણ માર્ગદર્શન અપાશે. બાળકોમાં ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા, સકારાત્મકતા અને નિયમિત જીવનશૈલી વિકસે તે માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો પ્રયાસ છે કે બાળકોને થોડો સમય મોબાઇલ અને ટીવી જેવી સ્ક્રીન આધારિત પ્રવૃત્તિઓથી દૂર રાખીને યોગ, આરોગ્ય અને પ્રકૃતિ સાથે જોડવામાં આવે. એક્સપર્ટના જણાવ્યા મુજબ નિયમિત યોગાભ્યાસથી બાળકોમાં લવચીકતા, સ્મરણશક્તિ, આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા વધે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.

યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયાસો

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની પ્રેરણાથી યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે અને આજે યોગ સમગ્ર વિશ્વમાં સ્વસ્થ જીવનપદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના માર્ગદર્શન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ના પ્રોત્સાહન, રમતગમત રાજ્ય મંત્રી જયરામ ગામીત (Jairam Gamit)ના સહકાર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીની પ્રેરણાથી રાજ્યમાં યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2

બાળકોને સમર કેમ્પમાં જોડાવવા અપીલ કરવામાં આવી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાલીઓ, શિક્ષકો અને સમાજના આગેવાનોને વધુમાં વધુ બાળકોને આ સમર યોગ કેમ્પ સાથે જોડાવવા અપીલ કરવામાં આવી છે, જેથી બાળકો સ્વસ્થ શરીર, સકારાત્મક મન અને સારા સંસ્કારો સાથે દેશ અને સમાજના જવાબદાર નાગરિક બની શકે. વધુ માહિતી અને નોંધણી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsyb.inની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગણિતનો ડર હવે દૂર : પંચમહાલની પ્રાથમિક શાળાએ બનાવ્યો ગુજરાતનો પ્રથમ ‘મેથ્સ પાર્ક’
Back to top button