ગુજરાત: સ્ટેટ મોનિટરિંગ સેલનો કોન્સ્ટેબલ સાજણ રાજસ્થાનના વોન્ટેડ ગેંગસ્ટર સાથે સંપર્કમાં

- ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ૩૯ અને ગુજરાતમાં ૨૫ ગુના નોંધાયા
- કરજણ તાલુકામાં રૂ.૧.૭૭ કરોડનો દારૂ ઝડપી પાડવાના કેસમાં આરોપી
- સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહિરને પણ આરોપી બનાવાયો
વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં રૂ.૧.૭૭ કરોડનો દારૂ ઝડપી પાડવાના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહિરને પણ આરોપી બનાવાયો છે. સાજણ રાજસ્થાન અને ગુજરાતના મોસ્ટ વોન્ટેડ તેમજ રાજસ્થાનના હિસ્ટ્રિશીટર અનિલ ઉર્ફે પાંડીયા જાટ સાથે સતત સંપર્કમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.
વિજિલન્સનો જ કોન્સ્ટેબલ રહેતો હોવા છતાં ગુજરાત પોલીસ સતત અંધારામાં
રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર આવેલ ફતેહપુર જિલ્લાના સીકર તાલુકાના બાસગામનો વતની અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ વર્ષ-૨૦૦૭થી ગુનાખોરીની દુનિયામાં આવી તેણે રાજસ્થાનમાં ખોફ ઊભો કર્યો છે. રાજસ્થાનમાં ગંભીર પ્રકારના ૩૯ ગુનાઓમાં તેની સંડોવણી છે જ્યારે ગુજરાતમાં ૨૫ જેટલા દારૃના ગુનામાં તેનું નામ ખૂલતા તે લાંબા સમયથી ફરાર છે. વડોદરા જિલ્લામાં દારૂના કેસમાં તેનું પ્રથમ વખત નામ ખૂલ્યું છે. મહત્વની બાબત એ છે કે રાજ્યમાં અનિલ ઉર્ફે પાંડીયા સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે તેમ છતાં એસએમસીનો કોન્સ્ટેબલ સાજણ આહિર અનિલના સતત સંપર્કમાં રહેતો હતો. ગુજરાતના મોસ્ટ વોન્ટેડ આરોપીઓના સંપર્કમાં વિજિલન્સનો જ કોન્સ્ટેબલ રહેતો હોવા છતાં ગુજરાત પોલીસ સતત અંધારામાં રહી હતી.
ગુજરાતમાં રાજસ્થાનનો ગેંગસ્ટર અનિલ વોન્ટેડ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજસ્થાનનો ગેંગસ્ટર અનિલ વોન્ટેડ છે. પોલીસ દ્વારા તેને ઝડપી પાડવા અનેક પ્રયત્નો છતાં તેનો પત્તો લાગતો નથી અને બીજી બાજુ ખુદ વિજિલન્સનો જ એક કોન્સ્ટેબલ તેની સાથે બિન્ધાસ્તરીતે સંપર્કમાં રહેતો હતો. ગૃહ વિભાગની દેશની સર્વોચ્ચ સંસ્થા એનઆઇએ, સીબીઆઇ તેમજ સ્થાનિક પોલીસની સતત વોચ છતાં અનિલ ઉર્ફે પાંડીયા પોતાની ગુનાખોરીની દુનિયા સતત વિસ્તારતો રહ્યો છે. ફેબુ્રઆરી-૨૦૨૩માં રાજસ્થાનના સીકર ખાતેના તેના ઘેર એનઆઇએએ વહેલી સવારે દરોડો પાડયો હતો પરંતુ તે ઝડપાયો ન હતો. આ ઉપરાંત સીબીઆઇનું રૂ.૫ લાખનું ઇનામ ધરાવતા રાજસ્થાનના બહુચર્ચિત બિરજુ ઠેકેદારનું પણ અનિલ પાંડીયાએ મર્ડર કર્યુ હતું. ગુજરાતમાં તેની સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ થયો છે.
લોકેશન મેળવવું પોલીસ માટે મુશ્કેલ બની જાય છે
રાજસ્થાનના અનિલનું ગુજરાતના દરેક જિલ્લામાં નેટવર્ક છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ તે જ્યાં છૂપાયો હોય તેના ૫૦ કિ.મી. દૂર સુધી તેના માણસો વોચમાં હોય છે. જો કોઇ પોલીસ તેને પકડવા માટે જાય તો ૫૦ કિ.મી. દૂરથી તેને ખબર પડી જતી હોય છે. તે હંમેશા વર્ચ્યૂઅલ નંબરથી જ સંપર્કમાં રહેતો હોય છે જેથી તેનું લોકેશન મેળવવું પોલીસ માટે મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ, 49 ડેમમાં જળસ્તર 90%થી વધી જતાં હાઇએલર્ટ પર












