અશાંતધારા અધિનિયમમાં સુધારા સૂચવતું બિલ વિધાનસભામાં પસાર, અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે

Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં એક મહત્વનું બિલ પસાર થયું છે, જે અશાંતધારા અધિનિયમમાં સુધારા લાવવાનું છે. આ સુધારા બિલ અનુસાર હવેથી અશાંત વિસ્તારને ‘નિર્દિષ્ટ વિસ્તાર’ તરીકે ઓળખવામાં આવશે.
મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરતી વખતે જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં સ્થાવર મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકાવવાનો અને કાયદેસર માલિકોના હિતોનું સંરક્ષણ કરવાનો છે.
બિલ અનુસાર, હવે નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ ‘નારાજ વ્યક્તિ’ તરીકે રજૂઆત કરી શકશે. આમ, ‘નારાજ વ્યક્તિ’ની વ્યાખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
જો કોઈ વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય તો તે વિસ્તારને પણ ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરી શકાશે. આ જોગવાઈથી કાયદો વધુ વ્યાપક અને અસરકારક બનશે.
મિલકતના રક્ષણ માટે કલેક્ટરને ‘સુઓ મોટો’ (સ્વતઃ સંજ્ઞાન)ની સત્તા આપવામાં આવી છે. કોઈપણ નારાજ વ્યક્તિની અરજી પર અથવા સ્વતઃ તપાસ કરીને જો મિલકતની તબદીલી વાંધાજનક જણાય તો કલેક્ટર તે મિલકતને પોતાના કબજામાં લઈ શકશે.
નવા સુધારામાં એક મહત્વની જોગવાઈ ઉમેરવામાં આવી છે કે, નિર્દિષ્ટ વિસ્તારના લોકો પોતાની મિલકતને નાણાકીય સંસ્થાઓમાં ગિરો મૂકીને લોન અથવા આર્થિક સહાય મેળવી શકશે. આનાથી મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે અને લોકોને આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળશે.
બિલમાં નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવા પહેલાં વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
મંત્રી સંજયસિંહ મહિડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ સુધારાઓ દ્વારા રાજ્ય સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતધારકોના અધિકારોનું રક્ષણ કરીને સામાજિક સદભાવ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: VIDEO – ભાવનગર કોર્ટ પરિસરમાં જજ અને વકીલ વચ્ચે શાબ્દિક યુદ્ધ












