ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ, દાંતીવાડામાં 6.3 ઈંચ
ગાંધીનગર, તા. 13 જુલાઈ, 2025: ગુજરાતમાં થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે. હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે જે રાજસ્થાન તરફ આગળ વધશે અને તેની ગુજરાત પર અસર થશે. રાજ્યમાં 17મી જુલાઈ સુધીમાં વરસાદ રહે તેવી શક્યતા છે. સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વરસાદ વરસ્યો હતો. દાંતીવાડામાં 6.3 ઈંચ, પાલનપુરમાં 4.6 ઈંચ અને ડીસામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉમરાળામાં 2.95 ઈંચ, પાલીતાણામાં 2.87 ઈંચ, વડગામમાં 2.5 ઈંચ, ઉનામાં 2.20 ઈંચ, ધ્રાંગધ્રામાં 2 ઈંચ, કપરાડામાં 1.89 ઈંચ અને ગઢડામાં પણ 1.89 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં બે તાલુકામાં 4 ઈંચથી વધારે, એક તાલુકામાં 3 ઈંચથી વધારે, પાંચ તાલુકામાં 2 ઈંચથી વધારે, 14 તાલુકામાં 1 ઈંચથી વધારે અને 99 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના રામાશ્રય યાદવે શનિવારે જણાવ્યું હતું કે, મોન્સૂન ટ્રફ પસાર થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ થંડર સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 13 જુલાઈના રોજ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

14 અને 15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો તથા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં 20 સિનિયર ક્લાર્કને આપવામાં આવી બઢતી, જુઓ યાદી












