ગુજરાતટ્રેન્ડિંગ

ધારાસભ્યોના ‘ફાઈવ-સ્ટાર’ આવાસની ફાળવણી: ₹350 કરોડના નવા ફ્લેટનું ભાડું વધશે?

ગાંધીનગર, તા. 5 નવેમ્બર, 2025: ગુજરાતના ધારાસભ્યો માટે આશરે ₹350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ફાઈવ-સ્ટાર કક્ષાના નવા સદસ્ય આવાસ (ફ્લેટ)ની ફાળવણી મંગળવારે ડ્રો પદ્ધતિથી કરવામાં આવી છે. જોકે, હવે આ સુવિધાયુક્ત નવા ક્વાર્ટર્સ માટે ધારાસભ્યોને જૂના આવાસ કરતાં વધારે ભાડું ચૂકવવું પડી શકે છે.

હાલમાં ગાંધીનગરના સેક્ટર-21માં ધારાસભ્યોને ફાળવાયેલા જૂના આવાસનું માસિક ભાડું માત્ર ₹37.50 (એટલે કે દૈનિક સવા રૂપિયો) છે, જે આધુનિક સુવિધાઓવાળા નવા ફ્લેટ માટે ઘણું ઓછું જણાય છે.

પગાર મુજબ ભાડું નક્કી થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોના વેતનમાં વખતો વખત વધારો કરાયો છે, પરંતુ ક્વાર્ટર્સનું ભાડું વર્ષોથી યથાવત્ રહ્યું છે.હવે નવા આવાસ માટેનું ભાડું ધારાસભ્યોને મળતા માસિક વેતન (આશરે સવા લાખ રૂપિયા) અનુસાર નક્કી કરવામાં આવશે.
આ ભાડું નક્કી કરવા માટે સદસ્ય નિવાસ સમિતિ આગામી દિવસોમાં એક બેઠક યોજીને અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પરામર્શ કરીને અંતિમ રકમ નક્કી કરશે.

ફાળવણીની પદ્ધતિ
સદસ્ય નિવાસ સમિતિ દ્વારા ડ્રો કરીને ધારાસભ્યોને ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે. ફાળવણી એવી રીતે કરવામાં આવી છે કે એક જ જિલ્લાના ધારાસભ્યો પડોશી તરીકે એકસાથે રહી શકે.

અન્ય રાજ્યોના ભાડાનો અભ્યાસ
સદસ્ય આવાસ સમિતિ હવે નવા ફ્લેટની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભાડાની સમીક્ષા કરશે. નવા આવાસમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે, તેની સામે માસિક ₹37.50નું ભાડું અપૂરતું છે. આથી, સમિતિ અન્ય રાજ્યોમાં ધારાસભ્યોના આવાસનું ભાડું કેટલું છે તેનો અભ્યાસ કરશે. આ અભ્યાસમાં ભાજપ શાસિત, કોંગ્રેસ શાસિત અને અન્ય રાજકીય પાર્ટીઓ શાસિત રાજ્યોના સદસ્ય આવાસના ભાડાની સમીક્ષા કરાશે, ત્યારબાદ ભાડામાં વધારો કરવામાં આવશે.

મહિલા ધારાસભ્યો માટે અલાયદો બ્લોક
વિધાનસભા ગૃહમાં કુલ 182 ધારાસભ્યો પૈકી 14 મહિલા ધારાસભ્યો છે. તેમાંથી દર્શના વાઘેલા, રીવાબા જાડેજા અને મનીષા વકીલ મંત્રી બની ગયા હોવાથી તેમને મંત્રી બંગલો ફાળવાયો છે. બાકીની 11 મહિલા ધારાસભ્યો માટે બ્લોક નંબર-9 અનામત રાખવામાં આવ્યો છે, જેથી તમામ મહિલા ધારાસભ્યો એક જ બ્લોકમાં રહી શકે.

Back to top button