LRD Exam: ગુજરાતભરમાં આજે 2.63 લાખ ઉમેદવારો આપશે LRD ભરતીની લેખિત પરીક્ષા

Gujarat Police Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું સાકાર કરવા માટે પ્રયત્નશીલ લાખો યુવાનો માટે આજે અત્યંત મહત્વનો દિવસ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) કેડરની 12,733 જગ્યાઓ માટે રાજ્યભરમાં મેગા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
શારીરિક કસોટીમાં સફળ ઉમેદવારોની પરીક્ષા
શારીરિક કસોટીમાં સફળ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો આજે પોતાના ભવિષ્ય માટે નિર્ણાયક પરીક્ષા આપી રહ્યા છે. ભરતી બોર્ડની અગાઉ જાહેર થયેલી જાહેરાત મુજબ, ગત 2 એપ્રિલે જાહેર કરાયેલા શારીરિક કસોટીના પરિણામ બાદ લેખિત પરીક્ષા માટે ઉમેદવારોને પાત્ર જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં 1.73 લાખથી વધુ પુરુષ ઉમેદવારો તેમજ આશરે 89 હજારથી વધુ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
રાજ્યભરમાં વિશાળ આયોજન
લેખિત પરીક્ષાને સુચારૂ અને પારદર્શક રીતે સંપન્ન કરાવવા માટે રાજ્યભરની 849થી વધુ શાળા અને કોલેજોમાં પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. પરીક્ષા સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાઈ રહી છે. 200 ગુણની MCQ આધારિત આ પરીક્ષા માટે ઉમેદવારો વહેલી સવારથી જ પોતાના કેન્દ્રો પર પહોંચવા લાગ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સહિતના મુખ્ય શહેરોમાં ઉમેદવારોની ભારે અવરજવર જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર પણ પરીક્ષાર્થીઓની ભીડ નોંધાઈ હતી.
ઉમેદવારોની સુવિધા માટે GSRTCની વિશેષ વ્યવસ્થા
પરીક્ષા કેન્દ્ર સુધી ઉમેદવારો સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા રાજ્યના વિવિધ રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવી છે. ટ્રાફિક, વરસાદ અથવા અન્ય અણધારી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડે ઉમેદવારોને નિર્ધારિત સમય કરતાં ઘણું વહેલું કેન્દ્ર પર પહોંચવાની અપીલ કરી હતી.
નકલ રોકવા અભેદ્ય સુરક્ષા કવચ
ભૂતકાળમાં થયેલી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. રાજ્યભરના તમામ પરીક્ષા કેન્દ્રોના વર્ગખંડોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેનું લાઈવ મોનિટરિંગ ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવી રહ્યું છે.
VIDEO: ચાલુ ફ્લાઈટમાં એન્જિનમાં તણખા ઝરવા લાગ્યા, મુસાફરોના શ્વાસ થયા અધ્ધર
ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર સંપૂર્ણ પ્રતિબંધ
પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન બોડી સર્ચિંગ બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર તથા અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
26 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત
પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને ગેરરીતિમુક્ત બનાવવા માટે રાજ્યભરમાં 26 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 17 હજારથી વધુ શિક્ષણ વિભાગના કર્મચારીઓ તેમજ 9 હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. દરેક કેન્દ્ર પર PSI અને PI કક્ષાના અધિકારીઓ દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ડિજિટલ ટેક્નોલોજીથી ગેરરીતિઓ પર નજર
ડમી ઉમેદવારો અને અન્ય પ્રકારની ગેરરીતિઓ અટકાવવા માટે આ વખતે આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન સહિતની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. સાથે જ સોશિયલ મીડિયા પર પરીક્ષા અંગે અફવાઓ ફેલાવનારા તત્વો પર સાયબર ક્રાઈમ ટીમ સતત નજર રાખી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભરતી બોર્ડની મહત્વની સૂચનાઓ
ભરતી બોર્ડે ઉમેદવારોને પરીક્ષા સંબંધિત માહિતી માટે માત્ર સત્તાવાર માધ્યમો પર જ વિશ્વાસ રાખવા જણાવ્યું છે. ઉમેદવારોએ કોલ લેટરમાં દર્શાવેલી તમામ સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત સાહિત્ય અથવા ઇલેક્ટ્રોનિક સાધનો સાથે ન લાવવા ખાસ સૂચના આપવામાં આવી છે. ગુજરાતના લાખો યુવાનો માટે આજે યોજાઈ રહેલી આ મેગા પરીક્ષા માત્ર એક ભરતી પ્રક્રિયા નથી, પરંતુ તેમના કારકિર્દી અને ભવિષ્ય સાથે જોડાયેલો મહત્વનો પડાવ છે. હવે સૌની નજર પરીક્ષાના સફળ આયોજન અને આગામી પરિણામ પ્રક્રિયા પર કેન્દ્રિત થઈ છે.












