ટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડ

દુનિયાનું એવું ગામ જ્યાં દરેક ઘરમાં છે ટ્વિન બાળકો, કારણ જાણીને ચોંકી જશો

Igbo Ora Twin Capital : કલ્પના કરો કે તમે કોઈ એવા શહેરમાં ફરવા જાઓ જ્યાં દરેક વળાંક પર તમને એકસરખા ચહેરા જોવા મળે. દુકાનદાર હોય કે સ્કૂલ જતા બાળકો, રસ્તા પર ચાલતા યુવાનો હોય કે પરિવારના સભ્યો — બધે જ જોડિયા લોકોની હાજરી તમને ચોંકાવી દે. સાંભળવામાં ફિલ્મી લાગતી આ વાત હકીકતમાં આફ્રિકાના એક શહેરમાં જોવા મળે છે.

આ અનોખું શહેર છે નાઇજીરિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલું Igbo-Ora, જેને દુનિયાભરમાં “ટ્વિન કેપિટલ ઓફ ધ વર્લ્ડ” તરીકે ઓળખવામાં આવે છે. લગભગ બે લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં જોડિયા બાળકોનો જન્મ સામાન્ય બાબત બની ગયો છે.

1000 જન્મમાં આશરે 45 થી 50 ટ્વિન

અહેવાલો મુજબ, સમગ્ર વિશ્વમાં દર 1000 જન્મમાં સરેરાશ માત્ર 12 જોડિયા બાળકો જન્મે છે. પરંતુ ઇગ્બો-ઓરામાં દર 1000 જન્મમાં આશરે 45 થી 50 ટ્વિન જન્મ નોંધાય છે, જે વૈજ્ઞાનિકો માટે પણ આશ્ચર્યજનક છે.

સ્થાનિક લોકો માને છે કે અહીંના ખાસ ખોરાક, ખાસ કરીને રતાળુ (યામ)માં રહેલા ‘ફાઇટોએસ્ટ્રોજન’ નામના તત્વને કારણે મહિલાઓમાં એકથી વધુ ઈડા છોડાવાની શક્યતા વધી જાય છે. આ પ્રક્રિયાને મેડિકલ ભાષામાં ‘મલ્ટિપલ ઓવ્યુલેશન’ કહેવામાં આવે છે. જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે વર્ષો સુધી એક જ વિસ્તારમાં લગ્ન થવાને કારણે અહીંનો જિનેટિક પેટર્ન પણ મહત્વપૂર્ણ કારણ હોઈ શકે છે.

ઇગ્બો-ઓરામાં જોડિયા બાળકોને ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. અહીંની “ઇબેજી” સંસ્કૃતિ અનુસાર ટ્વિન બાળકો સુખ અને સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. જ્યારે કોઈ પરિવારમાં જોડિયા બાળકોનો જન્મ થાય છે ત્યારે આખા વિસ્તારમાં બીન્સ વહેંચીને ઉજવણી કરવામાં આવે છે.

આ અનોખી ઓળખને વૈશ્વિક સ્તરે ઉજવવા માટે વર્ષ 2018થી દર વર્ષે 11 ઓક્ટોબરે “વર્લ્ડ ટ્વિન્સ ફેસ્ટિવલ”નું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં દુનિયાભરના ટ્વિન લોકો ભાગ લેવા પહોંચે છે.

 જોડિયા બાળકોના જન્મ માટે ભારતનું જાણીતું ગામ

ભારતમાં પણ એક એવું ગામ છે જે જોડિયા બાળકોના જન્મ માટે જાણીતું છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલું Kodinhi ગામ “ભારતની ટ્વિન કેપિટલ” તરીકે ઓળખાય છે. અહીં લગભગ 2000 પરિવારોની વસ્તીમાં 450થી વધુ જોડિયા જોડી રહે છે.

વિજ્ઞાન આજે પણ ઇગ્બો-ઓરા અને કોડિન્હી જેવા વિસ્તારોના રહસ્યને સંપૂર્ણ રીતે ઉકેલી શક્યું નથી. પરંતુ સ્થાનિક લોકો માટે આ કોઈ વૈજ્ઞાનિક ચમત્કાર નહીં, પરંતુ કુદરતનો આશીર્વાદ છે. આ અનોખા શહેરો દુનિયાને યાદ અપાવે છે કે કુદરત પાસે આજે પણ અનેક અજાણી અને રહસ્યમય કહાનીઓ છુપાયેલી છે.

આ પણ વાંચો : VIDEO: ચાલુ ફ્લાઈટમાં એન્જિનમાં તણખા ઝરવા લાગ્યા, મુસાફરોના શ્વાસ થયા અધ્ધર

Back to top button