સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ જામનગરમાં કાકા-ભત્રીજી વચ્ચે સીધી ટક્કર, પૂનમ માડમે વિક્રમ માડમને આપી ચેલેન્જ

જામનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકીય હલચલ વધુ તેજ બની રહી હોય તેવું દેખાય છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં યોજાયેલી ભાજપની વિકાસ સંકલ્પ સભામાં સાંસદ પૂનમ માડમે આપેલી ચેલેન્જે રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે. પૂનમબેને જાહેર મંચ પરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. આ સભામાં જામનગરના સાંસદ પૂનમ માડમે ચેલેન્જ ફેંકી હતી કે કોંગ્રેસ અને AAPના નેતા સાથે એના કાર્યકરો ફોટો પડાવી દે તો જાહેર જીવન છોડી દઈશ. આ નિવેદન બાદ રાજકીય પરિસ્થિતિમાં નવા વળાંક આવ્યા છે.
પૂનમ માડમની ચેલેન્જ
સભામાં પૂનમ માડમે જણાવ્યું કે વિકાસની ગતિ જાળવવા માટે તાલુકા અને જિલ્લા સ્તરે મજબૂત સંકલન જરૂરી છે, જેથી સ્થાનિક પ્રતિનિધિઓનો અવાજ સીધો દિલ્હી સુધી પહોંચી શકે. તેમણે વિરોધ પક્ષોને નિશાન બનાવતાં કહ્યું કે કોંગ્રેસ અને AAPના કાર્યકરોને પોતાના નેતાઓ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે આ દાવાને વધુ મજબૂત બનાવવા માટે ખુલ્લી ચેલેન્જ ફેંકી કે જો કોઈ કાર્યકર પોતાના રાષ્ટ્રીય નેતા સાથે વ્યક્તિગત રીતે ફોટો પડાવી બતાવે તો તેઓ રાજકારણ છોડી દેશે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
વિક્રમ માડમે ચેલેન્જ સ્વીકારી લીધી
પૂનમ માડમની આ ચેલેન્જને તેમના કાકા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમે તરત જ સ્વીકારી લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે કોંગ્રેસના સામાન્ય કાર્યકરો પણ રાહુલ ગાંધી જેવા નેતાઓ સાથે ફોટા પડાવી ચૂક્યા છે. તેમણે પૂનમ માડમને જવાબ આપતા કહ્યું કે તેઓ માત્ર 48 કલાકમાં આ ચેલેન્જ પૂરી કરી શકે છે. વિક્રમ માડમે વધુમાં ઉમેર્યું કે નામ પસંદ કરવાનો અધિકાર પણ પૂનમબેનને આપ્યો છે, જેથી કોઈપણ શંકા ન રહે. આ પ્રતિક્રિયાએ રાજકીય ટકરાવને વધુ તેજ બનાવી દીધો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છેઃ વિક્રમ માડમ
વિક્રમ માડમે જણાવ્યું હતું કે નામ ચોઈસ કરવાનો અધિકાર પણ હું આપને આપું છું. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્ત્વના છે. તમે 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધી સાથે પડાવીને, આપ કહો એ જાહેર મંચ ઉપર હું ડિકલેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે. મારે એટલું કહેવું છે કે આપે ચેલેન્જ આપી છે, 12 વર્ષમાં પહેલીવાર એક મર્યાદાઓ હતી એ મર્યાદાઓ તૂટી રહી છે, એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે.
તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો
જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ, તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં તો આપ આપની વાતો ઉપર અટલ રહેજો.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી: હાઈપ્રોફાઈલ ઉમેદવારોની સંપત્તિ, માયાભાઈની દીકરી પાસે 44 તોલા સોનું












