ગુજરાત: શ્રાવણ માસમાં જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો
- સોમનાથમાં એક દિવસમાં 67 ધ્વજાપૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રૂદ્રીપાઠ
- સોમનાથ મંદિરમાં રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ દર્શન કર્યા
- સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું
સૌરાષ્ટ્રમાં ભગવાન શિવજીને રીઝવવાનો સર્વોત્તમ દિવસ બીજા શ્રાવણી સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ આવીને ભોળાનાથના દર્શન કરીને શીશ નમાવ્યું હતું. શ્રાવણ માસમાં વરસાદી વિરામના કારણે ભોળાનાથના દર્શન માટે ગામેગામ ભાવિકોની ભીડ જામી હતી.
સોમનાથમાં એક દિવસમાં 67 ધ્વજાપૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રૂદ્રીપાઠ
ઐતહાસિક શિવમંદિરોમાં આખો દિવસ અભિષેક, પૂજન, મંત્રજાપ, રૂદ્રીપાઠ તેમજ લાખો લોકોના ઘરે ઘરે પણ શિવલિંગની પૂજા-જાપથી ભક્તિમય માહૌલ છવાયો છે. સોમનાથમાં એક દિવસમાં 67 ધ્વજાપૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રૂદ્રીપાઠ યોજાયા હતા. પાલખી યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. સાંજે મહાદેવને રૂદ્રાક્ષનો વિશેષ શ્રૂંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવને પ્રિય વસ્તુઓમાં બિલ્વપત્ર, ભસ્મ, રૂદ્રાક્ષ, ધતુરાનું ફૂલ, ગંગાજળ વગેરેથી ભોળાનાથને તમામ શિવમંદિરોમાં કરાયેલા શણગારના દર્શન માટે લોકોની સવારથી કતારો જોવા મળી હતી.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું
શ્રાવણ મહિનામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શિવ ભક્તો આસ્થા અને ભારે ઉત્સાહ સાથે મંદિરે પહોંચી ગયા હતા. ભક્તોની ભીડ અને જય સોમનાથના ગગભેદી નાદથી સોમનાથ પરિસરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, શ્રાવણ માસને લઈ સોમનાથ ખાતે અનેક કાવડિયાઓ પણ દર્શને પહોચે છે અને સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે દૂર દૂરથી આવતા ભક્તોને દાદાના દર્શનનો લાભ કોઈપણ પ્રકારની અગવડતા વગર મળી શકે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તો Somnath.org પરથી સોમનાથ દાદાના ઘરે બેઠા દર્શનનો પણ લાભ લઈ શકશે
મહત્વનું છે કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરી યાત્રીઓને આદર પૂર્ણ દર્શનનો અનુભવ મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવી રહ્યા છે. તો શ્રાવણ માસમાં માત્ર 25 રૂપિયામાં “મહામૃત્યુંજય યજ્ઞ” પણ કરી શકાશે. સાથે જ ભક્તો Somnath.org પરથી સોમનાથ દાદાના ઘરે બેઠા દર્શનનો પણ લાભ લઈ શકશે.
આ પણ વાંચો: ગુજરાત: રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ જાણો કેટલા ટકા જળસ્તર થયુ












