અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈ સુધી આસારામના હંગામી જામીનની તારીખ લંબાવી

અમદાવાદ, તા. 27 જૂન, 2025: ગુજરાત હાઈકોર્ટે આસારામને મોટી રાહત આપી હતી. તેની હંગામી જામીનની તારીખ 7 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. દુષ્કર્મના કેસમાં જેલની સજા ભોગવી રહેલા આસારમાના જામીન 30 જૂને પૂરા થતા હતા. હાલ તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને લઈ જામીન પર છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ‘વર્તમાન મામલાના વિશિષ્ટ તથ્યો, ખાસ કરીને નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટીથી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, અમે અસ્થાયી જામીનને 7 જુલાઈ સુધી લંબાવી રહ્યા છીએ.

હાઈકોર્ટે 28 માર્ચે આસારામને ત્રણ મહિના માટે હંગામી જામીન આપ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચે પુરા થઇ રહ્યા હતા. ઉચ્ચ ન્યાયાલયની એક ખંડપીઠે વિભાજિત ફેંસલો સંભળાવ્યો હતો. ત્યારબાદ આ મામલાને ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો, જેમણે આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન આપવાના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે.

આસારામનું મૂળ નામ આસુમલ સિરુમલાણી હરપલાણી છે, તે ભારતના એક વિવાદાસ્પદ આધ્યાત્મિક નેતા છે. તેઓ 1970 ના દાયકાની શરૂઆતમાં પ્રખ્યાત થયા હતા અને 2013 સુધીમાં તેમણે ભારત અને વિદેશમાં 400થી વધુ આશ્રમો અને 40 શાળાઓ સ્થાપી હોવાનો અંદાજ છે. તેમના ભક્તો તેમને આસારામ બાપુ તરીકે ઓળખે છે.

આસારામ પર લાગેલા આરોપ

જોધપુર બળાત્કાર કેસ : 2013 માં, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીર બાળકીએ આસારામ પર જોધપુર આશ્રમમાં બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં 2018 માં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસ પોક્સો યદા હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ કેસ દરમિયાન, કેટલાક મુખ્ય સાક્ષીઓ પર હુમલા થયા હતા અથવા તેઓ ગુમ થયા હતા, અને કેટલાકની હત્યા પણ થઈ હતી.

સુરત બળાત્કાર કેસ: 2013માં સુરતની એક મહિલાએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કાર અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાનો કેસ દાખલ કર્યો હતો. આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2001 થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા તેનું વારંવાર જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી2023માં ગાંધીનગરની કોર્ટે આ કેસમાં આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી. તેમના પુત્ર નારાયણ સાંઈને પણ અન્ય એક કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત આસારામ પર હત્યા, ધમકી આપવા અને સાર્વજનિક જમીનો પર ગેરકાયદેસર કબજો કરવાના આરોપો પણ લાગેલા છે.

આ પણ વાંચોઃ મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી સામે વાઇસ ચેરમેન યોગેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી! જાણો વિગત

Back to top button